મફતલાલ ગ્રુપની પદ્મનાભ અને નવીન ફ્લોરીન કંપનીનાં આર્થિક સહયોગથી ૧૫૦ થી દીવ્યાંગોને ટ્રાયસીકલ, વ્હીલચેર, ઓર્બીટ બ્રેઇલ રાઈટર, ડીજીટલ હીઅરીંગ એડ, ટ્રાઈપોડ સ્ટીક, આર્ટીફીશીયલ લીમ્બ્સ જેવા કૃત્રિમ ઉપકરણોનું વિતરણ રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્યશાખા અમદાવાદ અને ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. મહામાનોનું શાબ્દિક સ્વાગત હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. જયારે કાર્યક્રમનો ઉદ્દેશ રાજ્યશાખાનાં સેક્રેટરી તારકભાઈ લુહારે સમજાવ્યો હતો. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ મહિલા કાર્યકર કિન્નરીબેન દેસાઈએ કૃત્રિમ અવયવોનો ઉપયોગ કરી દીવ્યાંગોને પગભર બનવા આહ્વાન કર્યું હતું. જ્યારે ભાવનગર જિલ્લા શાખાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ પડકારરૂપ જીવનને સરળ બનાવવા મળેલ ઉપકરણોનો ઉપયોગ કરી આમ સમાજમાં સ્થાપિત થવા દીવ્યાંગોને કામે લાગવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ દીવ્યાંગોની વિશિષ્ટ શક્તિઓને વેપારી વર્ગ સુધી પહોંચાડવા હૈયા ધારણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નીતાબેન રેયાએ કર્યું હતું. જ્યારે અભારદર્શન હેમંતભાઈ ગાંધીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં ટ્રસ્ટીઓ અને કર્મવીરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે પંકજભાઈ એન. ત્રિવેદી, હર્ષકાંતભાઈ રાખશીયા, કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.