ભાવનગરના કોન્સ્ટેબલે આઈજી પુત્રને રૂપિયા ૧૦ લાખ કઢાવવા પિસ્તોલ બતાવી :બોટાદના સરકીટ હાઉસ બોલાવી અપહરણ કરી લઈ જતી વેળાએ બગોદરા પાસે પોલીસની ગાડી જોઈ જતા અપહ્તને છોડી શખ્સો નાસી છુટયા
અમદાવાદમાં રહેતા નિવૃત આઈજીના પુત્રને પૈસાની લેવડ દેવડને લઈ ભાવનગરના કોન્સ્ટેબલે બોટાદ બોલાવી સરકીટ હાઉસમાં રૂપિયા ૧૦ લાખની માંગણી કરી પિસ્તોલ બતાવી કોન્સ્ટેબલ અને તેની સાથે રહેતા છ શખ્સોએ તેનુ અપહરણ કર્યુ હતુ. દરમિયાન બગોદરા પાસે પોલીસની ગાડી નિહાળી અપહ્તને છોડી કોન્સ્ટેબલ સહીતના શખ્સો નાસી છુટયા સંદર્ભે ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ સરદાર સ્ટેડીયમની બાજુમાં, વૈભવ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત આઈજી જેબલીયાના પુત્ર નિરવકુમાર બાવકુભાઈ જેબલીયા (ઉ.વ. ૩૪)એ પાળીયાદ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ હીરેન અને તેની સાથેના વિરમ સહીતના છથી સાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, હીરેન સાથેની પૈસાની લેવડ દેવડને લઈ ગત તા. ૧૪.૨ના રોજ તેને બોટાદના સરકીટ હાઉસ ખાતે બોલાવી બપોરે ૧૨.૩૦ થી ૧.૦૦ના સમયગાળા દરમિયાન રૂપિયા ૧૦ લાખ કઢાવવાના ઈરાદે કોન્સ્ટેબલ હિરેન અને વિરમે તેને પિસ્તોલ બતાવી, જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી સરકીટ હાઉસથી તેનુ અપહરણ કરી લઈને જતી વેળાએ બગોદરા પાસે પોલીસની ગાડીને દુરથી જોઈ જતા તેને ત્યાજ બગોદરા ઉતારી દઈ નાસી છુટયા હતા. ઉક્ત ફરિયાદના પગલે પાળીયાદ પોલીસે આઈપીસી. ૩૬૪(એ), ૩૮૭, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૧૪, તેમજ આર્મ એક્ટ ૨૫(૧)(બી-એ) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત બનાવ સંદર્ભે તપાસનિશ પીએસઆઈ ઝાલાએ સમર્થન આપતા જણાવ્યુ હતુ કે, ભાવનગરના અને હાલ છોટા ઉદેપુર ફરજ બજાવતા કોન્સ્ટેબલ હીરેન મહેતા અને નિવૃત આઈજી જેબલીયાના પુત્ર વચ્ચે પૈસાની લેતી દેતીનો વ્યવહાર હોય જેને લઈ હિરેને ધંધા માટે રૂપિયા આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમા સામે આવ્યુ હતુ. જ્યારે હજુ ગુનાના કામે તમામ નાસતા ફરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.