યુપીની ૫૯ અને પંજાબની ૧૧૭ બેઠકોની ચૂંટણી સંપન્ન

66

ત્રીજા તબક્કામાં રાજ્યના ૧૬ જિલ્લાના ૬૨૭ ઉમેદવારોનું ભાવ ઇવીએમમાં સીલ
નવીદિલ્હી,તા.૨૦
ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં રાજ્યમાં ૧૬ જિલ્લાની ૫૯ સીટો પર સવારે ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન કડક સુરક્ષા વચ્ચે મતદાન યોજાયુ હતું. જો કે સપા અને ભાજપના કાર્યકરો વચ્ચે કેટલાક સ્થળોએ મારપિટના અહેવાલો આવ્યા છે.કેટલાક સ્થળોએ ઇવીએમ મશીન બગડી ગયા હોવાની ફરિયાદો પણ મળી હતી જો કે ચુંટણી પંચ દ્વારા ઇવીએમ મશીન બદલીને મતદાન શરૂ કરાવ્યું હતું.સમાજવાદી પાર્ટીએ ભાજપની વિરૂધ્ધ ફરિયાદો કરી છે.સપા નેતાઓનું કહેવુ છે કે સપાને મત આપતા ભાજપને મત જાય છે. આજે ત્રીજા તબક્કામાં ૬૨૭ ઉમેદવારોનું ભાવ ઇવીએમમાં સીલ થયું છે જેમાં યોગી સરકારના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. સૌથી વધુ ચર્ચા છે કરહલ વિધાનસભા સીટની, જ્યાંથી સપા પ્રમુખ અખિલેશ મેદાનમાં છે. તેઓ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બિકરુ કાંડવાળા કાનપુર અને દરોડાથી ચર્ચામાં આવેલા અત્તરના વેપારીવાળા કન્નૌજમાં પણ વોટિંગ થયું હતું . આ ઉપરાંત અખિલેશના કાકા શિવપાલ, પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદના પત્ની લુઈસ ખુરશીદ, પૂર્વ આઈપીએસ અસીમ અરૂણ પણ ચર્ચામાં રહેલા ચહેરા છેજયારે પંજાબની ૧૧૭ વિધાનસભા બેઠકો માટે આજે એક જ તબક્કામાં મતદાન થયું હતું. આ દરમિયાન અકાલી દળની ફરિયાદ પર ચૂંટણી પંચે બોલિવૂડ એક્ટર સોનુ સૂદની કાર જપ્ત કરી લીધી છે. કમિશનની ટીમ સોનુનો પીછો કરતા તેને બીજા બૂથમાં જવા પર કાર્યવાહી કરી રહી છે. તેમને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઘટના બાદ સોનુએ ટ્‌વીટ કર્યું છે અને મોગા જીલ્લામાં બહારના લોકો પર મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી પંચને કાર્યવાહી કરવાની માંગ કરી છે સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગાથી કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેવામાં સોનુ સૂદ ગામોમાં ફરી રહ્યા છે, એક સેલિબ્રીટી હોવાના કારણે તેમનું આ પ્રમાણે ફરવુ એ વોટર્સને કોંગ્રેસ તરફ પ્રભાવિત કરી શકે છે માટે ચૂંટણી આયોગે સોનુ સૂદની ગાડીને જપ્ત કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા અમૃતસર પૂર્વ બેઠક માટે વેરકાના એક મતદાન કેન્દ્ર પર સામ-સામે મળ્યા હતા. બિક્રમે હાથ જોડીને સિદ્ધુને નમસ્કાર કર્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. આ પછી સિદ્ધુ પણ મતદાન મથકની અંદર ગયા હતા.પઠાણકોટથી ચૂંટણી લડી રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અશ્વની શર્માનું પોલીસ અને કેટલાક લોકો સાથે ઘર્ષણ થયું હતું. પંજાબ લોક કોંગ્રેસના સંસ્થાપક અને પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પટિયાલામાં મતદાન કર્યુ હતુ. અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલે તેમની પૌત્રી હરકીરત કૌર સાથે મતદાન કર્યુ હતુ.
કાનપુરના હડસન મતદાન કેન્દ્ર પર હિજાબને લઈને વિવાદ વધી ગયો. અહીં હિજાબ પહેરીને આવેલી મુસ્લિમ મહિલાઓને બૂથમાં પ્રવેશતા રોકવામાં આવી રહી હતી.તેમને હિજાબ ઉતારવાનું કહેવામાં આવ્યું. આ અંગે વિવાદ સર્જાયો હતો. અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, અંશુલ યાદવ અને તેજ પ્રતાપ સિંહે સૈફઈમાં મતદાન કર્યું હતું.મુલાયમ સિંહ યાદવ વ્હીલચેર પર બેસીને મતદાન કરવા પહોંચ્યા હતા.લલિતપુર વિધાનસભાના તાલબેહટ અને ટુંડલાના અનવરામાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ફર્રુખાબાદમાં ૧૯૮ બૂથ નંબરો પર ઈફસ્ મશીન બગડવાને કારણે મતદાન એક કલાક મોડું શરૂ થયું હતું. કન્નૌજમાં પણ અડધો કલાક મોડું મતદાન શરૂ થયું હતું કાનપુરની હડસન સ્કૂલમાં મતદાન કર્યાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ કાનપુરના મેયર પ્રમિલા પાંડે વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ છે.સપાએ ફરિયાદ કરી છે કે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં સાયકલનું બટન દબાવવા પર કમળની સ્લિપ નીકળી રહી છે. મુલાયમના ભાઈ અભય રામ બાઇક પર મત આપવા ઇટાવા પહોંચ્યા હતા.જસવંત નગરથી ચૂંટણી લડી રહેલા શિવપાલ યાદવે મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લીધા હતા.
નવજોત સિદ્ધુની સીટ અમૃતસર પૂર્વમાં બહુ ઓછું મતદાન થયું . અહીં તેમનો મુકાબલો બિક્રમ સિંહ મજીઠિયા સામે છે. ઓછા મતદાન વચ્ચે મતદાન કરવા બૂથ પર પહોંચેલા સિદ્ધુએ મજીઠિયાનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું- માફિયા પોતાનું અસ્તિત્વ બચાવવા મારી સામે લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના બળવાખોર સાંસદ પરનીત કૌરે તેમના પતિ કેપ્ટન અમરિંદર સિંહની જીતનો દાવો કર્યો છે. આ વખતે કેપ્ટને કોંગ્રેસમાં બળવો કરીને અલગ પાર્ટી બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. નવજોત સિદ્ધુ અને તેમની પત્ની નવજોત કૌર અમૃતસર પૂર્વમાં મતદાન મથક પર મતદાન કર્યુ હતુ. અમૃતસરમાં સોહના અને મોહના લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સોહના-મોહના મતદાન કરવા માટે વહેલી સવારે મનાવાલા પહોંચી ગયા હતા. તેમણે મતદાન મથક નંબર ૧૦૧ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સોહના-મોહનાને એક શરીર અને બે જીવ છે.રવિવારે મતદાનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરદોઈમાં જાહેરસભામાં સંબોધન કર્યુ હતુ. સપા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશને સટ્ટા અને કટ્ટાથી આઝાદી મળી ગઈ છે. મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશમાં દીકરીઓ અને બહેનો સલામતી અનુભવી રહી છે. પીએમ મોદીએ આતંકવાદ મામલે સંબાધન કર્યુ હતુ. મોદીએ કહ્યું, ’પહેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થતા હતા. દિલ્હી, મુંબઈ, લુધિયાણામાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો.તે દરમિયાન અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હું તેને ક્યારેય ભૂલી શકતો નથી. આ વિસ્ફોટોમાં માર્યા ગયેલા લોકોના લોહીથી ધરતી લાલ થઈ ગઈ હતી. મેં એ લોહીથી ભીની માટી લઈને શપથ લીધા હતા કે મારી સરકાર આવશે તો તેમને સજા આપવામાં આવશે. હાલમાં બે દિવસ પહેલા જ કોર્ટે તે આતંકીઓને સજા સંભળાવી છે. ઘણા આતંકવાદીઓને મોતની સજા આપવામાં આવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleતમારો આ ઉત્સાહ, આ જોશ અમારા માટે મોટો આશીર્વાદ : વડાપ્રધાન મોદી