સંવેદના-એક અભિયાન પાર્ટ-1માં 75 હજારથી વધુ બાળકોને માહિતી આપવામાં આવી હતી
કોવિડ-19ની પરિસ્થિતિ સામાન્ય થતા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત કરતા આ અનેરા અભિયાન ‘સંવેદના એક અભિયાન પાર્ટ-2’નો શુભારંભ તા.15-2-2022 ના રોજ બોટાદ ખાતે વી.એમ.સાંકરીયા મહિલા કોલેજથી કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આગામી સમયમાં જિલ્લાના તમામ બાળકોને આવરી લેવામાં આવશે અને તેમને તાલીમબદ્ધ ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવામાં આવશે. ‘સંવેદના-એક અભિયાન પાર્ટ-2’ના શુભારંભ પ્રસંગે આ અભિયાનના પ્રેરક, માર્ગદર્શક અને જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમના પ્રેરણાત્મક ઉદબોધન સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ અભિયાનના શુભારંભ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને ટીમ દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક અને રોલ પ્લે દ્વારા સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે ઉપયોગી બની રહે તેવા પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત હાલ બોટાદ ખાતેની અલગ-અલગ શાળાઓમાં આ તાલીમ ચાલુ છે અને આગામી સમયમાં જિલ્લાના તમામ વિસ્તારોને આ અભિયાન હેઠળ આવરી લેવાશે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ, બાળમંદીર તથા ઝુંપડપટીઓમાં ટીમ સંવેદના દ્વારા બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુડ ટચ અને બેડ ટચની તાલીમ આપવામાં આવશે. વિશેષમાં આ તાલીમ માટે દરેક શાળાઓને ભવિષ્યમાં ઉપયોગી બની રહે તાલીમ સાહિત્ય વાળી ડીવીડીનું પણ વિતરણ કરવામાં આવશે.
આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જેથી દરેક બાળકનો મુક્ત અને નિર્ભય વાતાવરણમાં સર્વાંગી વિકાસ થાય તે ખુબ જરૂરી છે, પરંતુ અલગ-અલગ કારણોસર બાળકો સાથેના અપરાધોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. આ અપરાધો બનતા અટકાવવા વાલીઓ અને બાળકોમાં જાગૃતિ આવે તે અતિ આવશ્યક બાબત છે. બોટાદ જિલ્લામાં વર્ષ-2019 માં બોટાદ શહેર ખાતે છ વર્ષની બાળકીને પતંગની લાલચ આપી એક નરાધમ દ્વારા લલચાવીને અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનાનું એક કારણ ભોગ બનનાર બાળકીને સારા અને ખરાબ સ્પર્શની સમજણ ન હોવાનું પણ સામે આવેલ, જેમાંથી બોધપાઠ લઇ જિલ્લાના તમામ બાળકોને જાતિય શોષણનો ભોગ બનતા અટકાવવા બાળકો, વાલીઓ અને શિક્ષકોને બાળકો સાથે થતા સારા અને ખરાબ સ્પર્શ વિશે માહિતગાર કરવા અને તાલીમ આપવા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ‘સંવેદના-એક અભિયાન’ કાર્યક્રમ તા.26-1-2019થી તા.15-12-2019 સુધી જિલ્લાના અમલી બનાવવામાં આવેલ અને તેમા સફળતાપુર્વક જિલ્લાના લગભગ 75 હજારથી પણ વધુ નાના બાળકોને ગુડ ટચ અને બેડ ટચની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને સલામતી સાથોસાથ સેવા માટે પણ પ્રતિબદ્ધ બોટાદ જિલ્લા પોલીસના અનેક અભિયાનો ઉદાહરણરૂપ બન્યા છે. બાળકોની સુરક્ષા માટેનું આ સંવેદનાસભર અભિયાન થકી પોલીસ વિભાગ પ્રજાનો રક્ષક, સાથી અને મિત્ર છે તેવા વિશ્વાસનું જનતાના મનમાં સેતુ બંધન થયું છે. ઉપરાંત નાના બાળકો સાથેના થતા અપરાધો અટકાવવા માટે આ અંગેની જાગૃતિ લાવવા માટે આ અભિયાન ઘણું જ ઉપયોગી સાબિત બની રહેશે.