વિદ્યાર્થીઓ પ્રવેશથી લઈ તૃતિય સોપાનની થિયરી અને પ્રેક્ટીકલ કસોટી આપશે
ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલ રાજ્યના તમામ જિલ્લાના પસંદ થયેલ સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જરનો રાષ્ટ્રપતિ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પ 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાંથી રોવર વિભાગમાં યશપાલ વ્યાસ જ્યારે સ્કાઉટ વિભાગમાં ઉજાસ ભટ્ટ, ઓમ સોલંકી, જયદીપ ચૌહાણની પસંદગી થયેલી છે, જેઓ આ કસોટી આપવા જશે. તેમને ભાવનગર જિલ્લા સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રવૃત્તિમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી જોડાઈ સક્રિય પ્રવૃત્તિ કરી રાજ્યપાલ એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્કાઉટ ગાઈડ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે માન્ય ગણાય છે. તા. 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન વિદ્યાર્થીઓ પ્રવેશથી લઈ તૃતિય સોપાનની થિયરી અને પ્રેક્ટીકલ કસોટી આપશે. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એમ્બ્યુલન્સ મેન, હાઈકર, ફ્રી બિઈંગ મી, ટિચીંગ ગેમ, થ્રી નાઈટ કેમ્પ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કરેલા કાર્યનું પ્રેઝન્ટેશન પણ આપશે.