ભાવનગરની એવી શાળા કે જ્યાં કોરોના કાળમાં પણ શિક્ષણ અટક્યું નથી

70

અભાવો વચ્ચે પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખતી રોડ પરની અનોખી શાળા : ઝૂંપડપટ્ટીના બાળકોને મફત શિક્ષણ સાથે સંસ્કાર અને જીવન ઘડતરની કેળવણી પણ આપું છુંઃ પ્રિયાબા જાડેજા
આવતીકાલથી સમગ્ર રાજ્યમાં શાળાકીય શિક્ષણ ’ઓફ લાઇન’ શરૂ થઈ રહ્યું છે.ત્યારે આજે આપણે એક એવી શાળાની વાત કરવી છે કે, જે કોરોના કાળ વખતે પણ ચાલતી રહી હતી અને તે દ્વારા શિક્ષણની જ્યોત નિરંતર પ્રજ્વલિત રાખી છે. આ શાળા કોઈ હાઈ-ફાઈ શાળા નથી. પરંતુ જેની પાસે શાળાએ જવા દફતર નથી. શાળાની ફી ભરવાના પૈસા નથી તેવાં ગરીબ અને છેવાડાના બાળકોને રોડ પર શિક્ષણ આપતી અનોખી શાળા છે. ભાવનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં રોડ પર ચાલતી આ શાળા માત્ર શિક્ષણ જ નથી આપતી પરંતુ તે સાથે સંસ્કાર અને જીવન ઘડતરની કેળવણી પણ આપે છે. ભાવનગરની એક ગૃહિણી પ્રિયાબા જાડેજા આ બાળકોને દરરોજ ભાવનગર ખાતે આવેલા જોગસ પાર્ક ખાતે રોજ સાંજે ૪ઃ૩૦ થી ૬ દરમિયાન અભ્યાસ કરાવે છે.
આ એવા બાળકો છે કે જેની પાસે ગરીબીને કારણે શાળાએ જવાનો સમય નથી અથવા તો વાલી શિક્ષિત નથી. જેના કારણે તેમને શિક્ષણની મહત્તાની ખબર નથી. બાળકો પાસે લખવા માટે પેન પણ નથી અને પેન્સિલ પણ નથી. આવાં બાળકોને પ્રિયાબા અભ્યાસ કરાવવાથી માંડીને કપડાં, રમકડાં અને પગરખા અપાવીને સમાજ સેવા સાથે શિક્ષણનું સિંચન કરી રહ્યાં છે.
રાજકોટમાં જાગૃતિબેન ગોહિલ દ્વારા ચલાવાતા કર્મ શક્તિ ફાઉન્ડેશનમાંથી પ્રેરણા લઈને ભાવનગરના આ ગૃહિણીએ ભાવનગરમાં પણ રસ્તે રખડતાં અથવા અભ્યાસ ન કરતાં આવાં બાળકોને અભ્યાસ કરાવવાનો નિર્ધાર કર્યો અને આજે તેમની રોડ પરની શાળામાં ૪૫ જેટલા બાળકો નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યાં છે. આ બાળકોને અભ્યાસ સાથે દરરોજ નાસ્તો પણ કરાવવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાના સમયગાળામાં બાળકોને માસ્ક, સેનેટાઈઝર આપીને સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કેવી રીતે કરવું તે વિશે પણ શીખવાડવામાં આવ્યું હતું. પ્રિયાબા જાડેજા મહિનામાં એક વખત આ બાળકોને હોટલમાં જમવા પણ લઈ જાય છે. જેથી આ બાળકોને બહારનું જગત કેવું છે, કેવી રીતે વર્તવું જોઈએ તે અંગેના જીવન ઘડતરના પાઠ પણ શીખવાડે છે. આ ઉપરાંત બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર પણ આપવામાં આવે છે. બાળગીતની હરીફાઈ, મહિનામાં એક વખત વૃક્ષારોપણ અંગેનો કેમ્પ સહિતની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા સાથે તેમના વાલીઓને પણ બોલાવીને વ્યસનમુક્તિ આ અંગે જાગૃત કરવામાં આવે છે. આ બાળકોને અભ્યાસ સાથે ભીખ ન માંગવી, સ્વચ્છ અને સ્વસ્થ કેવી રીતે રહેવું તે અંગેની કેળવણી પણ આપવામાં આવે છે. આ અંગે બાળકોના વાલીઓ માને છે કે, ’અમે તો શિક્ષણ નથી મેળવ્યું… અમારી જિંદગી તો ગમે તે રીતે પસાર થઈ ગઈ.. પણ અમારા બાળકો શિક્ષણ મેળવે. તેઓ જીવનમાં આગળ વધે કે જેથી તેમની જિંદગી અમારાં જેવી પસાર ન થાય. પ્રિયાબા જાડેજાએ તેમના આઠ વર્ષના પુત્ર કૃષ્ણરાજસિંહનો જન્મદિવસ પણ વંચિત બાળકો વચ્ચે ઉજવ્યો હતો. જેથી આ બાળકોને પોતીકાપણાની લાગણી અનુભવાય અને પોતાના રૂટિન જીવનથી બહાર જગતમાં શું ચાલી રહ્યું છે તેના વિશેની પણ જાણકારી પ્રાપ્ત થાય. પોતાના પુત્રના જન્મ દિવસે હોટલમાં જઇને કેક કાપવાના બદલે તેમણે આ બાળકોને અભ્યાસ સામગ્રી આપી હતી.આ ઉપરાંત બાળકોને નાસ્તો કરાવ્યો હતો અને એ રીતે સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી.
પ્રિયાબા જાડેજાની ઈચ્છા છે કે, જો સમાજનો સાથ-સહકાર મળે તો બાળકો માટે પ્લે હાઉસ ખોલવું છે.જ્યાં બાળકોને શિક્ષણ તો મળે જ… આ ઉપરાંત દરરોજ પૌષ્ટિક નાસ્તો મળે, શિક્ષણની અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ થાય અને આ બાળકોનું ભવિષ્ય સુધરે.પ્રિયાબાને તેમના આ શિક્ષણ યજ્ઞમાં નિજાનંદ પરિવાર ઉપરાંત સમાજના સેવાભાવી લોકોની સમયાંતરે મદદ મળતી રહે છે. પરંતુ તે પૂરતી નથી. જો વધુ અને નિયમિત મદદ મળે તો તેઓ આ બાળકોના માટેના શિક્ષણ ફલકને વધુ વિસ્તારવા કટિબદ્ધ છે.

Previous articleવિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજે બી.એમ.કોમર્સ હાઇસ્કુલમાં “વાંચે બીએમ” કાર્યક્રમ યોજાયો
Next articleમહુવા નેસવડ ચોકડી પાસે બાયો ડીઝલ પંપ પર આગ ભભૂકી ઉઠી એક વ્યક્તિ ઘટના સ્થળે બળીને ભડથું બે ગંભીર