રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટી ૨૦માં ઈતિહાસ રચ્યો

93

કોલકતા,૨૧
રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝને ટી ૨૦ શ્રેણીમાં હરાવ્યું છે. રવિવારે ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી ૨૦માં ભારતે ૧૭ રનથી જીત મેળવીને શ્રેણીમાં ૩-૦થી ક્લીન સ્વીપ નોંધાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ચાર ટી ૨૦ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની આ સતત ચોથી શ્રેણી જીત છે. જેમાં ભારતીય ટીમે ત્રણ વખત વિન્ડીઝનો સફાયો કર્યો છે. રોહિતે હવે ટી ૨૦ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાના મામલે પાકિસ્તાનના સરફરાઝ અહેમદની બરાબરી કરી લીધી છે. આઇસીસીના પૂર્ણ સભ્ય દેશોમાં સમાવિષ્ટ ભારતીય ટીમના સુકાની તરીકે ટી ૨૦માં રોહિતની આ નવમી જીત છે. તેણે આ જીત ૨૦૧૯-૨૨ વચ્ચે નોંધાવી છે. તેના પહેલા, સરફરાઝ અહેમદની કપ્તાની હેઠળ, પાકિસ્તાને ૨૦૧૮ માં સતત નવ મેચ જીતી હતી. હિટમેન રોહિત પાસે હવે ૨૪ ફેબ્રુઆરીથી શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાં સફરાજને પાછળ છોડવાની તક છે. અફઘાનિસ્તાનનો અસગર અફઘાન આ મામલે ટોચ પર છે, જેની કેપ્ટન્સીમાં ટીમે ૨૦૧૮-૨૦ વચ્ચે સતત ૧૨ મેચ જીતી હતી. અસગરની કપ્તાની હેઠળ અફઘાનિસ્તાને ૨૦૧૬ અને ૨૦૧૭માં સતત ૧૧ ટી ૨૦ મેચ જીતી હતી પરંતુ અફઘાનિસ્તાન તે સમયે આઇસીસીનું પૂર્ણ સભ્ય નહોતું.ત્રીજી મેચમાં વિન્ડીઝની હાર સાથે, ભારતે બીજી વખત ટી ૨૦ માં સતત નવમી મેચ જીત નોંધાવી. ભારતની આ જીત નવેમ્બર ૨૦૨૧ થી ફેબ્રુઆરી ૨૦૨૨ વચ્ચે મળી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ સુધી સતત નવ મેચ જીતી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયાએ ડિસેમ્બર ૨૦૧૨ થી એપ્રિલ ૨૦૧૪, ફેબ્રુઆરી ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૬ અને માર્ચ ૨૦૧૮ થી જુલાઈ ૨૦૧૮ સુધી સતત સાત ટી ૨૦ મેચ જીતી છે.

Previous articleઅભિનેતા રણવીર સિંહને મળ્યો બેસ્ટ એક્ટરનો અવોર્ડ
Next articleવ્યક્તિનાં સામાજીકરણમાં માતૃભાષાનું મહત્વ