વ્યક્તિનાં સામાજીકરણમાં માતૃભાષાનું મહત્વ

241

માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.
વ્યક્તિનાં સામાજીકરણમાં ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે. માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?
માતૃભાષા કોને કહેવાય
વ્યક્તિનાં સામાજીકરણમાં સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે.
વ્યક્તિનાં સામાજીકરણમાં ભાષા અગત્યનુ પરિબળ
વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની બાળકને તક મળે છે. દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે.
માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે. માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓના શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે.
માતૃભાષામાં શિક્ષણ મેળવેલ કેટલાક મહાન વિભૂતિઓ
વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણો હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું.ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા
પ્રતિવર્ષ જાહેર થતા ૧૦માં અને ૧૨માં ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે.
અંગ્રેજી અને માતૃભાષા
મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ વિકાસ પામે છે, ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને ભાષા નહિ, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજીભાષકો બેહાલ છે, તેવું પણ નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે. અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા. સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે ‘જ્ઞાનેશ્વરી’ મરાઠીમાં રચ્યું. એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી. માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે ! અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શરૂઆત
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા પ્રત્યે જાગૃતિ લાવવા અને બહુભાષીવાદને પ્રોત્સાહન આપવા માટે ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વવ્યાપી વાર્ષિક ઉજવણી યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. તેને ૨૦૦૨માં યુએન ઠરાવ ૫૬/૨૬૨ અપનાવવા સાથે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી. માતૃભાષા દિવસ એ વ્યાપક પહેલનો એક ભાગ છે ” વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણ” ૧૬ મે ૨૦૦૭ના રોજ યુએન ઠરાવ ૬૧/૨૬૬ માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યું હતું, જેણે ૨૦૦૮ ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનો વિચાર બાંગ્લાદેશની પહેલ હતી. બાંગ્લાદેશમાં, ૨૧ ફેબ્રુઆરી એ દિવસની વર્ષગાંઠ છે જ્યારે બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) ના લોકો બાંગ્લા ભાષાને માન્યતા આપવા માટે લડ્યા હતા. તે ભારતના પશ્ચિમ બંગાળમાં પણ ઉજવવામાં આવે છે.
૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ
ેંદ્ગઈજીર્ઝ્રંયુનાઈટેડ નેશન્સ એટલેકે એજયુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓગેનાઈજેશન દ્વારા દર વષૅ થીમ બહાર પડવામાં આવે છે વષૅ ૨૦૨૨ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ, “બહુભાષી શિક્ષણ માટે ટેકનોલોજીનો ઉપયોગઃ પડકારો અને તકો”. બહુભાષી શિક્ષણને આગળ વધારવા અને બધા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષણના વિકાસને સમર્થન આપવા માટે ટેકનોલોજીની સંભવિત ભૂમિકાની શુ છે ? તે આવષૅની થીમ છે.
આ.સી પ્રો ડૉ સચિન જે પીઠડીયા
સરકારી વિનયન કોલેજ -ભેંસાણ

Previous articleરોહિત શર્માએ કેપ્ટન તરીકે ટી ૨૦માં ઈતિહાસ રચ્યો
Next articleસગપણ…