સમીર અને મીરાના લગ્નને દસ વરસ થયાં છતાં નિસંતાન હતા.આલીશાન બંગલો,નોકરચાકર, ગાડી..ત્રણ ફેકટરીનો માલિક સમીર ઘરે આવતા જ નિરાશા ઘેરી વળતી. ડોકટરે નિદાન કર્યું જ હતું કે મીરા ક્યારેય “મા” નહિ બની શકે.
બંગલાની બહાર એક સર્વન્ટ કોટેજ બનાવેલું હતું.આ કૉટેજમાં જીવલી તેની પાંચ વરસની દીકરી રાજુ સાથે રહેતી હતી.બંગલામાં રસોઈની જવાબદારી જીવલી સાંભળતી.એનો વર રઘુ રાજુ ત્રણ વરસની હતી ત્યારે લાંબા ગામતરે ઉપડી ગયો હતો..
મીરા રાજુને મોટી થતી જોઈ રહેતી. સમીરને રાજુની ખૂબ માયા. રોજ ઓફિસે જતા રાજુને બોલાવતો.માથે હાથ ફેરવીને ચોકલેટ આપતો.રાજુ ખિલખિલાટ કરતી હસતી રમતી દોડી જતી.મીરા વિચારતી કે આ રાંકને ત્યાં આટલું સરસ રતન કેવી રીતે?
રાજુ હસે ત્યારે એની ગાલો ના ખંજન જોઈ રહેતી.
સમયનું વહેણ સરકતું રહ્યું. રાજુ પંદર વર્ષની થઈ ગઈ.વારેઘડીએ માથાના વાળ સરખા કરવાની આદત જોઈ મીરા વિચારે ચડી જતી. ત્રણ દિવસથી રાજુને સમીરે જોઈ નહોતી.મીરા ને પૂછયું, મીરાએ કહ્યું,”તમે આ નોકરાણીની છોકરીને કેમ આટલું વહાલ કરો છો?”સમીર મીરા સામે જોઈ રહ્યો.
એટલામાં જિવલી આવી .તે ગભરાયેલી હતી.એને રડતી જોઈને મીરાએ પૂછ્યું,” શું થયું?” જીવલિ કેમ રડે છે?જીવલી બોલી, માલકીન મારી રાજુ બોલતી નથી.આટલું સાંભળતા તો સમીર સરવન્ટ કોટ જ તરફ દોડ્યો..અંદર જઈ રાજુને ઊંચકીને ગાડી તરફ દોડ્યો.મીરા એ સમીર સામે પ્રશ્નાર્થ નજરે જોયું ને ગાડીની ચાવી આપી. સમીરે રાજુને ગાડીમા સુવડાવી. જીવલીને લઈને હોસ્પિટલ તરફ ગાડી દોડાવી મૂકી.
પાંચ દિવસે રાજુને હોસ્પિટલથી ઘરે લાવ્યા. મીરા રસ્તામાં જ ઊભી રહી. રાજુને બંગલામાં લઈ આવી ને પોતાના રૂમમાં સુવડાવી.
કોટેજમાં જીવલી એકલી જ હતી.
મોડી રાત્રે ગેલેરીમાં ઉભેલી મીરાએ સમીરને કોટેજ તરફ જતો જોયો.નીચે આવી ઝડપથી સમીરની પાછળ પાછળ ગઈ.
સમીરે અંદર આવી જીવલીને કહ્યું, ચિંતા નહિ કર. આપણી રાજુને કઈ નહિ થાય.મારી દીકરી જલદી સારી થયી જશે.જીવલી સમીરને ભેટીને રડવા લાગી.
બહાર ઊભેલી મીરા આ સાંભળીને નીચે પટકાઈ. અવાજ સાંભળીને સમીર બહાર આવ્યો. જીવલી બહાર આવી.
મીરાને ઊંચકીને સમીર અંદર લઇ આવ્યો. મોં પર પાણી છાંટ્યું.મીરા ભાનમાં આવી.
જીવલી મીરાના પગે પડીને બોલી, “માલકીન, મને માફ કરી દો.”હું કાલે જ રાજુને લઈને અહીંથી જતી રહીશ. મીરાએ કહ્યું, “સમીર,રાજુની ઘણી આદતો તારા જેવી જ છે. એ જોઈને હું તારું ને રાજુનું સગપણ સમજી ગઈ હતી. રાજુના ગાલમાં પડતા ખંજન,રાજુ પ્રત્યેની તારી લાગણી,એની બીમારીમાં તારું બેબાકળું બની જવું….ને આજે જીવલી સાથેની વાત સાંભળીને સાબિત થઈ ગયું કે રાજુ મારા સમીરની જ દીકરી છે.અરે, રાજુ આપણી દીકરી છે. મારી દીકરી છે. સમીર મીરાને ભેટી પડ્યો ને માફી માંગીને કહ્યું, મીરા મારાથી ભૂલ. ..ને મીરાએ સમીરના મોઢે હાથ મૂકીને કહ્યું, “મારે કંઈ નથી સાંભળવું.”. રાજુ સાથે નું તારું પિતા તરીકેનું સગપણ મને મંજૂર છે. રાજુ આજથી આપણી દીકરી છે.જીવલી આ વાત આપણે ત્રણ જણ જ જાણીશું.રાજુ પણ નહિ.એ તારી જ દીકરી કહેવાશે.પણ એની બધી જવાબદારી અમે ઉઠાવીશું.જીવલી, રાજુ સાથેના અમારા માબાપ તરીકેનું સગપણ તને મંજૂર છે?
જીવલી માલકીનના પગને આસું થી પખાળી રહી.
રીટા મેકવાન “પલ”
સુરત.