૭થી ૧૩ ફેબ્રુઆરી સુધીના સપ્તાહમાં તેની પહેલાના સપ્તાહની સરખામણીએ નવા કેસની સંખ્યામાં ૫૯%નો ઘટાડો નોંધાયો જે સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો
નવી દિલ્હી, તા.૨૧
દેશમાં કોવિડ-૧૯ મહામારીની ત્રીજી લહેર જે ઝડપે ઉંચે ચડી તે જ ઝડપે નીચે પણ આવી ગઈ છે. છેલ્લા સતત ૪ સપ્તાહથી કોરોનાના નવા દૈનિક કેસની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તેમાં પણ રવિવારે સમાપ્ત થયેલા સપ્તાહમાં તો તેની પહેલાના સપ્તાહની સરખામણીએ મૃત્યુ પણ અડધા જેટલા નોંધાયા. કોવિડના મૃતકઆંકમાં ઘટાડાનું આ સતત બીજું સપ્તાહ છે. દેશમાં ૧૪થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન કોરોનાના કારણે ૧,૮૯૮ મૃત્યુ થયા જે તેની પહેલાના સપ્તાહમાં નોંધાયેલા ૩,૩૬૬ મૃત્યુ કરતાં ઓછો આંકડો છે. એક રીતે જોઈએ તો સતત ૪ સપ્તાહથી કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ છેલ્લા ૨ સપ્તાહથી તેમાં ખૂબ તેજી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન નવા દર્દીઓની સંખ્યામાં અડધાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. ગત સપ્તાહે ભારતમાં માત્ર ૧.૭૩ લાખ નવા કોવિડ દર્દી નોંધાયા જે તેની પહેલાના સપ્તાહમાં નોંધાયેલા કુલ ૩.૯૪ લાખ નવા કેસની સરખામણીએ ૫૬ ટકા ઓછા છે. ૭થી ૧૩ ફેબ્રુઆરી સુધીના સપ્તાહમાં તેની પહેલાના સપ્તાહની સરખામણીએ નવા કેસની સંખ્યામાં ૫૯%નો ઘટાડો નોંધાયો જે મહામારીની શરૂઆત બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. ત્રીજી લહેરના પહેલા સપ્તાહની સરખામણીએ સૌથી ઓછા નવા કેસ ગત સપ્તાહે જ નોંધાયા છે. ત્રીજી લહેરની શરૂઆતના સપ્તાહ ૨૭મી ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન ૧.૩૦ લાખ નવા કેસ નોંધાયા હતા. આ રીતે જોઈએ તો ત્રીજી લહેર દેશમાં કોરોના મહામારીની અન્ય બે લહેરોની સરખામણીએ સૌથી ઓછા સમયની રહી. ૪ જ સપ્તાહમાં ત્રીજી લહેર પોતાની ટોચનીસરખામણીએ માત્ર ૮ ટકા સુધીમાં સમેટાઈ ગઈ. ૧૭થી ૨૩ જાન્યુઆરીના સપ્તાહ દરમિયાન કોરોનાના નવા કેસની સંખ્યા ૨૧.૭ લાખ હતી. દેશમાં બીજી લહેર દરમિયાન આ પ્રકારનો ઘટાડો નોંધાતા ૧૫ સપ્તાહનો સમય લાગ્યો હતો. કોરોના વાયરસથી થયેલા મૃત્યુની વાત કરીએ તો ૩૧મી જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન રેકોર્ડ ૪,૩૫૫ મૃત્યુની સરખામણીએ ૫૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. સોમવારે દેશમાં કોરોનાના નવા ૧૬,૦૫૧ કેસ નોંધાયા જે ૩૦ ડિસેમ્બર બાદ સૌથી ઓછા છે જ્યારે એક જ દિવસમાં ૧૬,૭૧૭ નવા કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨,૦૨,૧૩૧ રહી ગઈ જે ૩ જાન્યુઆરી બાદ સૌથી ઓછી છે.