ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ ટીમ દ્વારા આજરોજ જવાહર મેદાનના તટ પર લાંબા સમયથી અસ્તિત્વમાં રહેલ ઝુપડપટ્ટી દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા નાના-મોટા ૧૫ થી ૨૦ જેટલા ઝુપડાઓ દુર કર્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, મુળ આર્મીની માલિકીના જવાહર મેદાન પર અનઅધિકૃત દબાણ અને વેસ્ટ કચરાના નિકાલ માટે નધણીયાત સાબિત થયેલ જવાહર મેદાન પર અવાર-નવાર દબાણ સહિતના મુદ્દાઓ સતત ચર્ચાતા રહે છે.
અને શહેરના અનેક આસામીઓ છાશવારે વેસ્ટ કચરો-કાટમાળ સહિતની ચીજવસ્તુઓનો જવાહર મેદાનમાં નિકાલ કરે છે. આ ઉપરાંત વાર-તહેવાર, પ્રસંગોપાત યોજાતા ભોજન સમારોહમાં પણ વધેલો એઠવાડ પણ અહીં જ નિકાલ કરવામાં આવે છે. રાત્રિ દરમિયાન આવારા લુખ્ખા તત્વો માટે જવાહર મેદાન મોકળુ મેદાન સમાન બન્યું છે. આ મુદ્દે તંત્રના વારંવાર કાન આંબળવા છતાં જવાહર મેદાનની જાળવણી રખ-રખાઉ માટે તદ્દન નિષ્ફળ નિવડ્યું છે. પાંચેક વર્ષ પૂર્વે જાળવણીના ભાગરૂપે તંત્ર દ્વારા આ મેદાન ફરતે ફેન્સીંગ કરવામાં આવી હતી પરંતુ આ ફેન્સીંગની ગ્રીલ પણ લેભાગુ તત્વો ઉખાડી લઇ ગયા છે. જવાહર મેદાનમાં થયેલી ગેરકાયદેસર ઝુપડપટ્ટી હટાવવાના મામલે બપોરના સમયે ઝુપડા ધારકો દ્વારા હોબાળો મચાવતા મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.