મિંસ્ક સંધિની જોગવાઈ લાગૂ કરવા વ્યાપક પ્રયત્નો કરવાની જરૂર : ભારત

54

ભારતે યુક્રેન સરહદે વધતા તણાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી : ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે સમગ્ર ઘટનાક્રમ પર ભારત બાજ નજર રાખી રહ્યું છે, યુક્રેનમાં રહેલા ભારતીયોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની માગણી કરી
નવી દિલ્હી,તા.૨૨
યુક્રેનના પૂર્વ વિદ્રોહી વિસ્તારમાં રશિયાની સેનાના ઘૂસવા પર સંયુક્ત રાષ્ટ્રની ઈમરજન્સી બેઠક થઈ રહી છે. આ બેઠકમાં ભારતે યુક્રેન સરહદે વધતા તણાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું કે આ ચીજોથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા ઓછી થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે આ સમગ્ર ઘટનાક્રમ પર ભારત બાજ નજર રાખી રહ્યું છે. ભારતે યુક્રેનમાં રહેલા ભારતીયોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની માગણી કરી. ભારતે કહ્યું કે મિંસ્ક સંધિની જોગવાઈઓ લાગૂ કરવા માટે વ્યાપક પ્રયત્નો કરવાની જરૂર છે. સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠકમાં ભારતીય પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે અમે યુક્રેન સંબંધિત ઘટનાક્રમ અને રશિયા દ્વારા આ મામલે કરાયેલી જાહેરાતો પર નજર રાખી રહ્યા છીએ. રશિયન સંઘ સાથે યુક્રેનની સરહદે વધતો તણાવ ગંભીર ચિંતાનો વિષય છે. આ ચીજોથી ક્ષેત્રની શાંતિ અને સુરક્ષા ઓછી થઈ શકે છે. ભારતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ રશિયા વિરુદ્ધ કડક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ યુએનને સંબોધતા કહ્યું કે યુક્રેન કોઈનાથી ડરતું નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે ટ્‌વીટ કરીને પોતાનું રિએક્શન આપ્યું. તેમણે લખ્યું કે રશિયાને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ કરવા બદલ અનેક પ્રકારના મળતા ફાયદાથી વંચિત રાખવા માટે એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેન સહિત અન્ય સહયોગીઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ અમેરિકાએ ડોનેત્સ્ક અને લુહાંસ્ક પર જે પ્રતિબંધો લગાવ્યા છે તેમાં અમેરિકી લોકો દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના રોકાણ, વેપાર વગેરે નહીં કરવામાં આવે. બાઈડેને કહ્યું કે રશિયાએ મિન્સ્ક સમજૂતિનો ભંગ કર્યો છે. જેનાથી યુક્રેનની શાંતિ, સ્થિરતા અને ત્યાંની પરંપરાઓ માટે જોખમ પેદા થયું છે. જ્યારે રશિયાના આ પગલાંથી અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ જોખમ પેદા થયું છે. રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું. રાષ્ટ્રને સંબોધન કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જે જાહેરાત કરી તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના બે અલગ અલગ વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપશે. રશિયા સ્વઘોષિત ગણરાજ્ય ડોનેસ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપશે. રશિયાના રાષ્ટ્રપતિએ ડોનેત્સક પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર) અને લુંગસ્ક પીપલ્સ રિપબ્લિક (એલપીઆર)ની માન્યતા સંબંધિત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ ડીપીઆરના પ્રમુખ ડેનિસ પુશિલિન અને એલપીઆરના પ્રમુખ લિયોનિદ પાસચનિક સાથે સંધિ ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે. રશિયા અને ડીપીઆર, એલપીઆર વચ્ચે આ સંધિ મૈત્રી, સહયોગ અને પરસ્પર સહાયતા અંગે છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleયુક્રેન કોઈનાથી ડરતું નથી : યુક્રેનનાં રાષ્ટ્રપતિ જેલેન્સકીએ ફેંક્યો પડકાર