મૃતકોમાં ૪ મહિલાઓ અને એક ૫ વર્ષની બાળકી પણ સામેલ, ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
શિમલા,તા.૨૨
ઉત્તરાખંડમાં સોમવારે રાત્રે મોટી દુર્ઘટના બની હતી. સોમવાર રાત્રે ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં જાનમાંથી પરત ફરી રહેલું એક વાહન ખાઈમાં પડી ગયું હતું. જેમાં ૧૪ જાનૈયાઓના મોત થઈ ચૂક્યા છે. દુર્ઘટના બુડમથી લગભગ ત્રણ કિલોમીટર આગળ બની હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત બાદ મૃતદેહોને ખૂબ જ ક્ષતવિક્ષત હાલતમાં જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બે લોકોની સારવાર ચાલી રહી છે. મંગળવારે બપોર સુધી તેમનું રેસ્કયુ ઓપરેશન ચાલ્યું હતુ અને તમામ ૧૪ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે નશામાં ધૂત ઈલેક્ટ્રિક બસના ચાલકે ૧૫ લોકોને કચડી નાખ્યા હતા. ત્યાર બાદ રાજસ્થાનના કોટા જિલ્લામાંથી પણ અકસ્માતની એક ઘટના સામે આવી હતી જેમાં જાનૈયાઓ ભરેલી ગાડી ચંબલ નદીમાં ખાબકતાં વરરાજા સહિત ૯ લોકોના મોત થયા હતા. ત્યારે ઉત્તરાખંડ ખાતેથી પણ અકસ્માતની એક દર્દનાક ઘટના સામે આવી છે.જાણવા મળ્યા મુજબ મૈક્સ વાહન નંબર-યુકે, ૦૪, ટીએ-૪૭૧૨માં સવાર તમામ લોકો ટનકપુરની પંચમુખી ધર્મશાળા ખાતે લગ્નમાં સામેલ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે લગભગ ૩.૨૦ વાગ્યે મેક્સ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. તેમાં સવાર તમામ લોકો કકનઈ નિવાસી લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા. મોટા ભાગના મૃતકો લક્ષ્મણ સિંહના સગા સબંધી હોવાની માહિતી મળી રહી છે. અકસ્માત અંગે જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ગઈ હતી. મૃતકોમાં ૪ મહિલાઓ અને એક ૫ વર્ષની બાળકી પણ સામેલ છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.