શુક્રવારે અમદાવાદમાં અધિકારીઓ ધરપકડ કરવા ગયા ત્યારે હુમલો પણ કર્યો હતો
ભાવનગરમાં જીએસટી કરચોરી અંગે બહુચર્ચિત માધવ સ્ટીલના નિલેશ પટેલ-ભાણાભાઈની આજે અમદાવાદ ખાતે એટીએસની ટીમે ધરપકડ કરી છે. ગત જુન-જુલાઈમાં ઝડપાયેલા 700 કરોડ જેવા જીએસટી ચોરીના જીંગી કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે નામ ખુલ્યા બાદ નિલેષ પટેલ ધરપકડથી બચવા લાંબા સમયથી નાસતો ફરતો હતો અને કાનુનનો સહારો પણ લીધો હતો. જો કે, શુક્રવારે તેની જામીન અરજી નામંજુર થયા બાદ તેની ધરપકડ કરવા ગયેલી ટીમ પર હુમલો કરીને તે નાસી છુટ્યો હતો. ત્યારબાદ આજે અમદાવાદમાંથી જ ATSએ તેની ધરપકડ કરી છે. નિલેશ પટેલે ખુબ મોટા પ્રમાણમાં કર ચોરી કરી છે. તેમજ સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી તેઓને ગંભીર ઇજા પહોંયાડી ગંભીર ગુનો કર્યો છે. ત્યારે આરોપી બાબતે એ ટી એસના મદદનીશ પોલીસ કમિશ્નર ભાવેશ રોજીયાને મળેલી બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા આરોપી નિલેષ નટુભાઇ પટેલ રહે.પટેલ પાર્ક, એરપોર્ટ રોડ, ભાવનગરનાને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જી.એસ.ટી. વિભાગ અમદાવાદને સોપ્યો છે. શુક્રવારે નિલેશ પટેલ દ્વારા જાન લેવા હુમલાની જીએસટીના અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર પોલીસને પણ આ અંગે વોચ રાખવા જાણ કરવામાં આવી હતી. જોકે, અંતે અમદાવાદથી તેની ધરપકડ થઈ છે. ઘટનાક્રમ મુજબ સ્ટેટ જીએસટી ટીમ દ્વારા ગત જુલાઈ માસ દરમિયાન ભાવનગરના માધવ કોપર લિમિટેડ ખાતે જીએસટીની ગેરરીતિ અંગે પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા 762 કરોડની ગેરરીતિઓ સામે આવી હતી. આ કેસમાં ગત જુલાઇ માસથી માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ પટેલ ફરાર હતા. જીએસટી અધિકારીઓ સુરત અને ભાવનગર સહિતના સ્થળોએ તેની સતત શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે હાથ આવ્યો ન હતો. દરમિયાનમાં તેમણે કાયદાનો સહારો લઇ સુપ્રિમ કોર્ટમાં પણ અરજી કરી હતી. સૌપ્રથમ સુપ્રીમ કોર્ટમાં જીએસટી કાયદામાં ધરપકડનું પ્રાવધાન નહીં હોવાની બાબતને અને જીએસટી કાયદાને પડકારતી અરજી કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત સુનાવણીને આધીન રાખી અને ધરપકડ ન થાય તેના અંગેની રાહત માટે નીચલી કોર્ટમાં જવા માટે સૂચન કર્યું હતું. નિલેશ પટેલ દ્વારા અમદાવાદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી તે પણ નામંજૂર થઈ હતી અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી માટે કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે શુક્રવાર સુધી તેની ધરપકડ ન કરવી તેવા વચગાળાના જામીન આપ્યા હતા. જોકે, શનિવારે રાત્રિના સમયે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિભાગની ટુકડીના પીએમ ડામોર આસિસ્ટન્ટ કમિશ્નર અને તેઓની ટીમની સાથે ઝપાઝપી થઈ હતી. આમ, નિલેશ પટેલ સામે અમદાવાદ એલીઝબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હવે તેની પર તંત્રનો સકંજો વધુ મજબુત બન્યો હતો અને લાંબા સમય સુધી ભાગતા ફરવા છતા આજે આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો છે.