કોંગ્રેસે લગાવેલા ૫૦૦ કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ : મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર : રૂપાણી

83

ગાંધીનગર,તા.૨૩
કોંગ્રેસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર ૫૦૦ કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના લગાવેલા આરોપો સામે તેમણે ટ્‌વીટ કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, ભ્રષ્ટાચારના આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, જેથી આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની આ ચાલ છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર ૫૦૦ કરોડ રુપિયાના ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપોનો આખરે વિજય રૂપાણીએ જવાબ આપ્યો છે. વિજય રૂપાણીએ ટિ્‌વટ કરીને દાવો કર્યો કે, ૫૦૦ કરોડ રૂપિયાનું તો શું, ૫ રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યુ કે કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે. વિજય રૂપાણીએ કોઈપણ જાતની તપાસ માટેની તૈયારી દર્શાવી છે.. તેમણે ટ્‌વીટ કરી લખ્યું છે કે, સાંચને ક્યારેય આંચ આવતી નથી. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે,નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, જેથી આ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની આ ચાલ છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા ૨૦ સર્વે નંબરોની ૧૧૧ એકર જમીનમાં ૫૦૦ કરોડનું કૌભાંડ વિજય રૂપાણીએ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તપાસની માગ કરી હતી. કોંગ્રેસના આ તમામ આક્ષેપોને વિજય રૂપાણીએ ફગાવી દીધા છે. તેમણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જે ૫૦૦ કરોડની વાત કરે છે, એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે ૭૫ કરોડની છે, તો પછી ૫૦૦ કરોડનું કૌભાંડ કેમ થઈ શકે?

Previous articleઆંતર કોલેજ ક્રિકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની ટીમનો ફાઈનલમાં પ્રવેશ
Next articleરાખીએ લોકોને ગરીબોને ખાવાનું આપવા અપીલ કરી