સૌથી વધુ ૬૨.૪૫% લખીમપુર ખીરીમાં, સપાનો બાંદા સદરમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ,માયાવતી-અદિતિ સિંહ અને સાક્ષી મહારાજે મતદાન કર્યું; ઉન્નાવનાં ૧૨ મતદાન કેન્દ્ર પર મશીન ખરાબ
લખનૌ,તા.૨૩
યુપી વિધાનસભાના ચોથા તબક્કામાં આજે ૯ જિલ્લાની ૫૯ સીટ પર મતદાન થયું હતું. ચોથા તબક્કામાં સરેરાશ ૬૨.૪૫ ટકા મતદાન થયું છે તેમાં સૌથી વધુ ૬૨.૪૫ ટકા વોટ લખીમપુર ખીરીમાં પડ્યા છે. ઉન્નાવની મોહાન વિધાનસભાના મલ્જા ગામમાં લગભગ ૭ કલાક પછી વોટિંગ શરૂ થયું હતું ગામના લોકો રસ્તો ન બનવાના કારણે નારાજ હતા અને મતદાનનો બહિષ્કાર કર્યો હતો જો કે ડીએમ અને એસપીએ તેમને સમજાવ્યા બાદ ફરીથી મતદાન શરૂ થયું હતું લખીમપુરના બૂથ નંબર ૮૫ પર મોકપોલ દરમિયાન કોઈ પણ બટન દબાવો એટલે કમળ જ આવતુ હતું. તેના પગલે મતદાનને બે કલાક સુધી બંધ કરવામાં આવ્યું હતું. મામલો પ્રકાશમાં આવ્યા પછી અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નવા ઈવીએમ મશીન આપ્યા હતા. તે પછી ૮.૫૫ વાગ્યાથી મતદાન ફરીથી શરૂ થયું છે. સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૨.૧૩ કરોડ મતદારો ૬૨૪ ઉમેદવારોના નસીબનો નિર્ણય કર્યો હતો તેમાંથી ૯૧ મહિલા ઉમેદવારો હતાં. સવારે ૮ વાગ્યા પહેલા બસપા સુપ્રીમો મયાવતીએ લખનઉ, બીજેપી નેતા અદિત સિંહે રાયબરેલી સદર અને સાક્ષી મહારાજે ઉન્નાવમાંથી મતદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં અત્યારસુધી ત્રણ તબક્કામાં ૧૭૨ સીટ પર વોટિંગ થઈ ચૂક્યું છે. રાજ્યમાં ચોથા તબક્કામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન યોજાય એ માટે ૮૬૦ કંપનીના અર્ધસૈનિક સુરક્ષા દળને ગોઠવવામાં આવ્યા હતાં, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ માહિતી આપી હતી. બસપા સુપ્રીમો માયાવતીએ લખનઉની મ્યુનિસિપલ નર્સરી સ્કૂલ પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું.
૧૩,૮૧૭ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં હતાં.આ પૈકી ૮૭૪ આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૪૨ બૂથ પર તમામ મહિલા કર્મચારી ફરજ બજાવી હતી.
અગાઉ વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં આ નવ જિલ્લામાં કુલ ૫૫.૩૧ ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮.૨૪ ટકા મતદાન થયું હતું. કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાનમાં રાખી મતદાન દિવસે પોલિંગ બૂથ પર થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, ગ્લવ્ઝ, ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, પીપીઇ કિટ, સાબુ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉન્નાવના ૧૨ મતદાન કેન્દ્ર પર ઈવીએમ અને વીવી પેટ ખરાબ હોવાથી મતદાન પ્રભાવિત થયું હતું.લખનઉ પશ્ચિમ વિધાનસભાની ગિરધારી સિંહ ઈન્ટર કોલેજમાં મતદાન માટે પ્રાથમિક વ્યવસ્થાન હોવાથી મતદારોએ હંગામો કર્યો હતો.દિવ્યાંગો માટે વ્હીલચેર પણ ન હતી. આ ચોથા તબક્કામાં યોગી સરકારના ૪ મંત્રી સહિત અને દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. લખનઉ કેન્ટથી કાયદામંત્રી બૃજેશ પાઠક અને મંત્રી આશુતોષ ટંડન લખનઉ પૂર્વથી ચૂંટણીના મેદાનમાં છે. ફતેહપુર જિલ્લાની હુસેનગંજ વિધાનસભા સીટથી રણવેન્દ્ર પ્રતાપ ઉર્ફે ધુન્ની સિંહ અને સહયોગી પાર્ટી અપના દલ (એસ)ના ક્વોટાથી મંત્રી જયકુમાર જેકી બિંદકીથી કિસ્મત અજમાવી રહ્યા છે. ગાંધી પરિવારના ગઢ રાયબરેલી સદરથી કોંગ્રેસ છોડીને ભાજપામાં એન્ટ્રી કરનારા અદિતિ સિંહ મેદાનમાં છે.