ઓફ લાઈન પરીક્ષા રદ કરવા પર સુપ્રીમનું કડક વલણ : સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ રહી તેમાં સેન્ટ્રલ અને સ્ટેટ બોર્ડની તમામ ઓફલાઈન બોર્ડ પરીક્ષા રદ કરવાની માગણી કરવામાં આવી હતી
નવી દિલ્હી, તા.૨૩
ધોરણ ૧૦ અને ૧૨ની ઓફલાઈન પરીક્ષાઓ રદ કરવાની માંગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટે્ ફગાવી દીધી છે. બુધવારે કોર્ટે આ મામલામાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે, આ પ્રકારની પિટિશન વિદ્યાર્થીઓને ખોટુ આશ્વાસન આપતી હોય છે.સુપ્રીમ કોર્ટે જે પ્રકારનુ વલણ અપનાવ્યુ છે તે જોતા આ વખતે તમામ બોર્ડ પરીક્ષાઓ ઓફલાઈન થશે તે નક્કી થઈ ગયુ છે.જોકે આ સંદર્ભમાં અંતિમ નિર્ણય જે તે રાજ્યના બોર્ડે કરવાનો છે. સુપ્રીમ કોર્ટમાં જે પિટિશન દાખલ થઈ રહી તેમાં સેન્ટ્રલ અને્ સ્ટેટ બોર્ડની તમામ ઓફલાઈન બોર્ડ પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.જેના પર ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી હતી.અરજમાં કહેવાયુ હતુ કે, સેન્ટ્રલ બોર્ડ દ્વારા તો પહેલી ટર્મની પરીક્ષાના પરિણામની તારીખ પણ જાહેર કરાઈ નથી.જેના પર કોર્ટે ટકોર કરી રહી હતી કે, કાર્યવાહી ચાલુ છે અને મુલ્યાંકન પુરુ થવા દો.તમે વગર સુનાવણીએ જજમેન્ટ આપી દેવા જેવી વાત કરી રહ્યા છો. કોર્ટે પિટિશન કરનારને દંડ ફટકારવાની પણ ચેતવણી આપી હતી અને કહ્યુ હતુ કે, હાલમાં એવી કોઈ સ્થિતિ નથી કે ઓફલાઈન પરીક્ષા રદ કરવી પડે. રાજ્ય સરકાર હેઠળના બોર્ડ, સીબીએસઈ અને આઈસીએસઈની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ઓનલાઈન યોજવા માટે સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલ અરજી નામંજૂર કરવામાં આવ્યો છે. બુધવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ અરજીને સુપ્રિમે ફગાવી છે.
જસ્ટિસ એએમ ખાનવિલકરે જણાવ્યું હતું કે આ અરજી પ્રી-મેચ્યોર અને અયોગ્ય હતી કારણ કે હજી સત્તાધીશોએ પરીક્ષા માટેના નિયમો અને તારીખો અંગે નિર્ણય લેવાનો બાકી છે.
કોર્ટે અરજીને ફગાવતા કડક શબ્દોમાં કહ્યું કે આ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે ? તમે આવી અરજીઓ કેવી રીતે ફાઇલ કરવાનું ચાલુ રાખી શકો છો ? આ પ્રકારની અરજીઓ માત્ર વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં આવી અરજીઓ દાખલ કરવામાં આવે તો તે અરજદારને પેનલ્ટી ચૂકવવી પડશે અને તમામ ખર્ચ તેમના પર લાદવામાં આવશે. અરજદારોએ વિવિધ રાજ્ય બોર્ડ, સેન્ટ્રલ બ્યુરો ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) અને ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (આઈસીએસઈ) દ્વારા પ્રસ્તાવિત શારીરિક પરીક્ષા યોજવાને બદલે ધોરણ ૧૦ અને ૧૨ની આગામી બોર્ડ પરીક્ષાઓ માટે વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિની માંગ કરી છે. ચાઇલ્ડ રાઇટ્સ એક્ટિવિસ્ટ અનુભા શ્રીવાસ્તવ સહાય અને ઓડિશાના સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા અરજી દાખલ કરનારા વિદ્યાર્થીઓએ પણ સમયસર પરિણામો જાહેર કરવા માટે તમામ બોર્ડને નિર્દેશ આપવા અને વિવિધ પડકારોનો સામનો કરવાને કારણે પરીક્ષામાં સુધારો કરવા માટેના વિકલ્પ માટે અરજી કરી હતી.
જોકે મધ્યપ્રદેશ રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ તો શરૂ પણ થઈ છે.