પટણા,તા.૨૪
પ્રો કબડ્ડી લીગ ૨૦૨૨ સીઝન હવે સમાપ્ત થવા જઇ રહી છે હવે માત્ર ફાઇનલ મેચ બાકી છે, ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચ પટના પાઇરેટ્સ અને યુપી યોદ્ધા વચ્ચે રમાઈ હતી. જેમાં પટનાની ટીમે યુપીને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી મેચમાં દબંગ દિલ્હીએ બેંગલુરુ બુલ્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.સેમિફાઇનલ મેચમાં પટના પાઇરેટ્સે યુપી યોદ્ધાને ૩૮-૨૭ના માર્જીનથી હરાવ્યું હતું. હવે તેનો અંતિમ મુકાબલો ૨૫ ફેબ્રુઆરીએ બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ દબંગ દિલ્હી સાથે થશે. બીજી સેમીફાઈનલમાં દબંગ દિલ્હીએ રોમાંચક મેચમાં બેંગલુરુ બુલ્સને ૪૦-૩૫ના માર્જીનથી હરાવ્યું. દિલ્હી સામે બેંગ્લોર ટીમના કેપ્ટન અને રેઇડર પવન સેહરાવત એકલા હાથે લડતા જોવા મળ્યા હતા. તેમણે મેચમાં સૌથી વધુ ૧૮ પોઈન્ટ બનાવ્યા. રેઇડર નવીન કુમારે દિલ્હી માટે ૧૪ પોઈન્ટ બનાવ્યા. જોકે, તેને રેઈડર નીરજ નરવાલ (૫) અને ઓલરાઉન્ડર વિજય (૪)નો સારો સાથ મળ્યો હતો. આ જ કારણ હતું કે દિલ્હીએ જીત નોંધાવી અને સતત બીજી સિઝનની ફાઇનલમાં જગ્યા બનાવી. દિલ્હી પાસે પ્રથમ વખત અને પટના પાસે રેકોર્ડ ચોથી વખત ટાઈટલ જીતવાની તક છે.