ઘરે ઘરેથી લોકો દ્વારા રુદ્રાક્ષની માળા બનાવવામાં આવી
ભાવનગર શહેરના ઈતીહાસમાં સૌ પ્રથમવાર સવા બે લાખ પંચમુખી રૂદ્રાક્ષના પારાનું 21 ફુટ ઉંચા મહા શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. બ્રહ્મ સેવા સંઘ ભાવનગરના ઉપક્રમે ગુરૂ પ્રેરણા, ગુરૂ આજ્ઞા, ગુરૂ પથદર્શનથી સંસ્થાના પ્રણેતા શિવકુમાર એસ. રાવલ દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરની મધ્યમાં આવેલા જવાહર મેદાનમાં પંચમુખી રૂદ્રાક્ષના નવા બે લાખ પારાથી 21 ફુટ ઉંચુ “મહાશિવલીંગ” બનાવવામાં આવ્યું છે. શહેરના જવાહર મેદાન ખાતે મહાશિવરાત્રીને લઈ વિશાળ મહાશિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. તેની વિશેષતા એ છે કે 21 ફૂટ ઉંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે.
સાડા 31 ફૂટનો ઘેરાવો સાથે બનાવવામાં આવી છે. આ શિવલિંગને બનતા 15 થી 20 દિવસનો સમય લાગ્યો છે. આ શિવલિંગ માટે ઘરે ઘરે રુદ્રાક્ષની માળા બનાવવામાં આવી હતી, અને ઘણા લોકોના સાથ સહકારથી આ કાર્ય કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં સૌ પ્રથમવાર આયોજીત આ પ્રકારના ભવ્ય શિવલીંગ બનાવવામાં આવ્યું છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો, મહંતો, રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનોની ઉપસ્થિતીમાં તા.23ને ગુરુવારના રોજ બપોરે પૂજા અર્ચના કરી અને સાંજે 7:30 આસપાસ મહાઆરતીથી આ શિવલીંગ લોકોના દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ મહાશિવલીંગના દર્શન વંદન કરવા માટે શહેરના નગરજનો અને ભાવિક ભક્તોને માટે આજે સવાર ના 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે તો દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.