હજુ ચાર ફરાર , રોકડ, ૧૧ મોબાઈલ, કાર સહિત રૂ. ૮.પ૯ લાખનો મુદ્દામાલ કબજે કરતી રાજકોટ પોલીસ
જીએસટી વિભાગ દ્વારા રૂ.૯.૪૪ લાખની કિંમતનો ભંગારનો જથ્થો ઝડપી લઈ બહુમાળી ભવનના પાર્કીંગમાં રાખવામાં આવ્યો હતો અને તસ્કરો તે ઉઠાવી ગયા હતા. આ ભંગારનો જથ્થો ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ટોળકીના ભાવનગર સહિતના ૧૦ શખસોને ઝડપી લઈ રૂ.૮.પ૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાર શખસો ફરાર હોય શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, રાજકોટના બહુમાળી ભવનના પાર્કીંગમાં રાખવામાં આવેલ રૂ.૯.૪૪ લાખની કિંમતના ભંગારનો જથ્થો ચોરી ગયાના બનાવમાં ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી અને ક્રાઈમ બ્રાંચના પીઆઈ. જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ ફોજદાર એમ.જે. હુણ તથા નગીન ડાંગર, અમીત અગ્રાવત સહિતના સ્ટાફે બાતમીના આધારે તળાજાના ઉખરલા ગામના અને હાલમાં ભાવનગરમાં ઘોઘા રોડ પર રહેતા મીતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ અનિરૂધ્ધસિંહ રાઠોડ, જીતેન્દ્ર ઉર્ફે હઠીબાપુ નારણ ચાવડા, તુષાર કિશોર બાંભણીયા, કુલદીપ રાજુ ગોરી, આશિષ રાજુ પરમાર, સાગર ઉર્ફે રાહુલ, કાંતિ જાલા, રાજદીપસિંહ દીગ્વિજયસિંહ જાડેજા, યુવરાજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા અને રાજકોટબહુમાળી ભવનના સીકયુરીટી ગાર્ડ ચુનાબાદ ગજોધર કોટારને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મીતરાજસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ રાઠોડ, જીતેન્દ્ર ચાવડા, તુષાર બાંભણીયા, રાજદીપસિંહ જાડેજા અને ધર્મેશ ચુડાસમા અગાઉ ચોરી, દારૂ, મારામારી સહિતના ગુનામાં રાજકોટ, ભાવનગરમાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. પોલીસે તસ્કર ટોળકી પાસેથી રૂ.૩.૦પ લાખની રોકડ, ૧૧ મોબાઈલ અને કાર સહિત રૂ.૮.પ૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં તસ્કર ટોળકીના સાગરીતો ભાવનગરના ધર્મેશ પોપટ ચુડાસમા, ભગીરથસિંહ પ્રતાપસિંહ જાડેજા, સફીન ભંગારના ડેલાવાળો અને અરવિંદ ઉર્ફે દીપ મહારાજ જીવણનાથ પરમાર ફરાર થઈ જતા શોધખોળ શરૂ કરી હતી.