પોલીસે વિદેશી દારૂની બોટલ ૧૦૭૮ સહિત રૂા.૫.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો
સોનગઢ ગામે આવેલી વાડીના મકાનમાં ઉભા કરાયેલ દારૂના ગોડાઉન ઉપર પોલીસે રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે જિલ્લા ભાજપના કારોબારી સભ્યને ઝડપી લીધો હતો. પોલીસે વિદેશી દારૂની ૯૦ પેટી (૧૦૭૮ નંગ, કિંમત રૂા.૫,૧૮,૯૪૫)નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ સિહોર તાલુકાના સણોસરા ગામે સેલ વિસ્તારમાં બાવચંદ જીવરાજભાઇ ચૌહાણ નામના શખ્સે વાડાના ઓરડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતા સોનગઢ પી.એસ.આઇ. ડી.ડી. વાઘેલા સહિતના સ્ટાફે રેડ પાડી તલાશી લેતા કાચા ઓરડામાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૯૦ પેટી (૧૦૭૮ નંગ, કિંમત રૂા.૫,૧૮,૯૪૫)ના મુદ્દામાલ સાથે બાવચંદ ચૌહાણને ઝડપી લીધો હતો. ઝડપાયેલ દારૂનો જથ્થો પુછપરછ કરતા સણોસરાની લોકભારતી રોડ ખાતે રહેતા મહેશ રૂપાભાઇ સોલંકી નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા જેના આધારે પોલીસે ઉક્ત બંને શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ ઝડપાયેલ શખ્સ જિલ્લા ભાજપનો કારોબારી સભ્ય છે. તેમના પત્ની સણોસરાના સરપંચ પદે રહી ચુકેલા છે. ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતાં.