યુક્રેનની રાજધાની કીવ પર કબ્જા માટે રશિયા અને યુક્રેનની સેના વચ્ચે લોહીયાળ જંગ ચાલી રહ્યો છે. રશિયાએ કીવ પર કબ્જો કરવા માટેના પ્રયાસો વેગવંતા કર્યા છે ત્યારે રશિયાને રોકવા માટે યુક્રેન આર્મીએ કીવ તરફ જતા રસ્તા પરનો પુલ ઉડાવી દીધો છે.જેથી રશિયન આર્મીને કીવમાં પ્રવેશતા અટકાવી શકાય. રાજધાની કીવ ભીષણ જંગની સાક્ષી બની રહી છે.યુક્રેને રશિયન એર એટેકના જવાબમાં એર ડિફેન્સ સિસ્ટમનો આજે અસરકારક ઉપયોગ કર્યો છે.યુક્રેનનુ કહેવુ છે કે, અમે રશિયાના સાત એરક્રાફ્ટ તોડી પાડ્યા છે. બીજી તરફ રશિયન મિસાઈલના હુમલા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટથી રાજધાની હચમચી ઉઠી છે.કીવમાં ચારે તરફ તબાહીની તસવીરો હવે સામે આવી રહી છે. એક ઈમારત પર રશિયન મિસાઈલ પડે છે અને માત્ર ગણતરીની પળોમાં આ ઈમારતમાં આગ લાગી જાય છે તે પણ એક વિડિયોમાં જોવા મળ્યુ છે.ખૂબસુરત શહેર કીવ રશિયન હુમલામાં બરબાદ થઈ રહ્યુ છે. એવુ મનાય છે કે, આજે સાંજ સુધીમાં રશિયન આર્મી કીવ પર કબ્જો કરી શકે છે.જોકે યુક્રેનના સૈનિકો રશિયાને કીવમાં પહોંચતા અટકાવવા માટે જીવ સટોસટની બાજી લગાવી રહ્યા છે.લોકો મોટી સંખ્યામાં પાડોશી દેશ પોલેન્ડ, હંગેરી અને રોમાનિયામાં પલાયન કરી રહ્યા છે.