ભોપાલ, તા.૨૫
રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલા બાદ હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. તેમાં મધ્ય પ્રદેશના વિદિશા શહેરની સૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. સૃષ્ટિની ભારત પરત આવવાની કોઈ શક્યતા પણ નહોતી જણાઈ રહી ત્યારે વિદિશામાં રહેતી તેની માતા ઠગાઈનો શિકાર બની ગઈ છે. ઠગે પીએમઓ કાર્યાલયના કર્મચારી બનીને દીકરીને યુક્રેનથી પરત લાવવા ફ્લાઈટ ટિકિટ અપાવવાના નામે બેંક એકાઉન્ટમાં ૪૪,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. બે દિવસ વીતી જવા છતાં ટિકિટ ન મળી એટલે પરેશાન માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિદિશા નિવાસી બૈશાલી વિલ્સનની દીકરી સૃષ્ટિ યુક્રેનમાં રહીને એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી. પરંતુ યુદ્ધના કારણે માતાએ પોતાની દીકરીને પરત લાવવા બનતા પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેવામાં એક ઠગે પણ તકનો ફાયદો ઉઠાવીને માતા પાસેથી ફ્લાઈટ ટિકિટના નામે ૪૪,૦૦૦ રૂપિયા પડાવી લીધા છે. જોકે મહિલાએ ફરિયાદ કરી ત્યાર બાદ ઠગે ૫,૯૦૦ રૂપિયા તેમના ખાતામાં પરત મોકલી આપ્યા હતા અને બાકીના રૂપિયા જલ્દી જ પરત કરી દેશે તેમ જણાવ્યું હતું. મહિલાની ફરિયાદના આધારે સંબંધીત બેંકને પત્ર મોકલવામાં આવ્યો છે જેથી જે બેંક એકાઉન્ટમાં રાશિ જમા કરાવાઈ તેના ખાતાધારકનું નામ અને સરનામુ મળી શકે. આ સાથે જ પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે.