ગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય અને ગરીબીના ઓછાયાનો અસ્તાચળ લાવવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા થકી થયું છેઃ વન અને પર્યાવરણ મંત્રી

97

ભાવનગર ખાતે ગ્રામ્ય, શહેરી અને કોર્પોરેશનનો સંયુક્ત 12મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
ભાવનગર ખાતે ગ્રામ્ય, શહેરી અને કોર્પોરેશનનો સંયુક્ત 12મો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં 69 હજાર લાભાર્થીઓને રૂ.270 કરોડના સાધન-સહાય હાથોહાથ આપવામાં આવ્યા હતા. આ તકે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા છે. ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, ગરીબોના ઘરમાં સુખનો સૂર્યોદય અને ગરીબીના ઓછાયાનો અસ્તાચળ લાવવાનું કાર્ય ગરીબ કલ્યાણ મેળા થકી થયું છે. ગરીબો પગભર થાય અને ગરીબીના અભિશાપમાંથી મુક્ત થઈ સ્વમાનભેર જીવન નિર્વાહ કરવાં માટે જરૂરી સાધન સહાયથી તેમનું જીવન નિર્વાર કરી શકે તેનું સશક્ત માધ્યમ ગરીબ કલ્યાણ મેળા બન્યાં છે. અટલ બિહારી વાજપાયી ઓપન એર થીયેટર, મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનના દ્રષ્ટવંત નેતૃત્વમાં ગરીબોના આંસુ લૂછવાં શરૂ થયેલા આ ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબીને દેશવટો આપવો છે.

આ ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગર ગ્રામ્યના 46,864 લાભાર્થીઓને રૂા.1,11,98,91,834, શહેરી વિસ્તારમાં 6,208 લાભાર્થીઓને રૂા.10,91,63,299, કોર્પોરેશન વિસ્તારમાં 16,022 લાભાર્થીઓને રૂા.1,47,53,11,935 એમ કુલ મળીને 69,094 લાભાર્થીઓને 2,70,43,67,068 ની સાધન સહાય તથા લાભનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, એક સમય એવો હતો કે સરકારમાંથી નિકળેલો એક રૂપિયો 15 પૈસા થઇને લાભાર્થીએ પહોંચતો હતો. આજે વચેટીયાઓ વગર લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી.થી સીધેસીધો એક રૂપિયો પહોંચે છે. ગરીબોના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવતો ગરીબ કલ્યાણ મેળો એ ગુજરાતની એક ઓળખ બની ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાના કલ્યાણ માટે કરેલાં કાર્યની નોંધ આજે સમગ્ર દેશ લઇ રહ્યો છે. તેમણે પ્રશસ્થ કરેલાં માર્ગ પર ચાલીને આ ગરીબ કલ્યાણ મેળાની શ્રુંખલાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીવાળી રાજ્ય સરકાર આગળ વધારી રહી છે. ગરીબી અને દારૂણતાને દેશવટો આપનારા ઉપક્રમ એટલે ગરીબ કલ્યાણ મેળો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, આ ગરીબ કલ્યાણ મેળાથી કેટકેટલાં ઘરમાં ચૂલાં સળગ્યાં છે. લાખો લોકોને રોજગારના અવસર મળ્યાં છે.

ગરીબ કલ્યાણ મેળાને લીધે પગભર થયેલાં લોકોના ચહેરાં પર જોવાં મળતું મુસ્કાન અમારે મન મોટી મૂડી છે અને એટલે જ લોકો અમારી સરકાર પર ભરોસો મૂકે છે. આ ભરોસો અને વિશ્વાસના સેતુને વધુ મજબૂત બનાવતું માધ્યમ આ ગરીબ કલ્યાણ મેળો છે. અમારી સરકાર પારદર્શક અને નિર્ણાયક કહેવાય છે. કોરોનાના કપરાં કાળમાં પણ ઘરે ઘર સુધી અનાજ પહોંચાડીને કોઇને ભૂખ્યાં સુવા દિધાં નથી તેવી આ જાગતી સરકાર છે. ગરીબના આંસુ લુંછવાનો આ નાનકડો પ્રયાસ છે. જેના દ્વારા ગરીબના ઘરમાં ઉજાસ ફેલાવવો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે, વિકાસ કાર્યોની અનેક નવતર પહેલ દ્વારા ગુજરાતના સમગ્રતયા સશક્તિકરણની દિશામાં નક્કર પગરણ મંડાયા છે. શિક્ષણ હોય કે રોજગાર, કૃષિ હોય કે ઉધોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઇ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે. વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે. જેની સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવે છે. પ્રજાની નાનીમાંનાની મુશ્કેલીઓના નિરાકરણ માટે અને જરૂરીયાતો પુરી કરવા વડાપ્રધાનના માર્ગદર્શન અનુસાર ઝડપી પગલાંઓ લઇને આ સરકારે ઉદાર યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ ગામડામાં બેઠલા ગરીબ, વંચિત, ખેડૂત, વૃધ્ધ, નિરાધાર અને ગંગા સ્વરૂપા બહેનોને મળી રહ્યો છે. રાજ્ય સરકારે લોકોને જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે. જે પ્રજાને પસંદ પડ્યું છે. એટલે જ આ સરકાર અને પ્રજા વચ્ચેે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાયો છે. વિકાસ અને સુશાસનનો પ્રજા આનંદ અને ગૌરવથી અહેસાસ કરી રહી છે. આદર્શ અને સુખમય સમાજના નિર્માણ માટે તથા સમૃધ્ધઅ અને શક્તિશાળી રાજ્ય અને રાષ્ટ્રશ નિર્માણ માટે તેમણે આહ્વાન કર્યું હતું. ગરીબીના કલંકને નાબૂદ કરવા માટે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યાં છે ત્યારે લાભ મેળવનાર લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, અહીંથી મળેલા લાભોનો યોગ્ય ઉપયોગ કરી તમે પ્રગતિ કરીને આગળ વધો. સરકાર તમારો હાથ પકડી તમને બેઠા કરવાનું કામ કરી રહી છે, પરંતુ દોડવું તો તમારે જ પડશે કારણ કે તમારું એક પગલું ભારતને 125 કરોડ કદમ આગળ લઇ જશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ – સહાય પહોંચાડવા 2009-10 થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમની શરૂઆત કરાવી હતી. જેનાથી લાખો ગરીબ લોકોના આંસુ લૂંછી શકાયા છે. તે જ રીતે વન મહોત્સવને અભિયાનનું સ્વરૂપ આપીને તેને જનઅભિયાનનું સ્વરૂપ આપી ગામે ગામ પર્યાવરણના જતન- સંવર્ધનના કામો થઇ રહ્યાં છે. આ મેળા થકી ગરીબના ઘરમાં કલ્યાણનો દિપ પ્રગટ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી યુવાનો-ખેડૂતો-મહિલાઓ-આદિવાસીઓના હિત અને જનકલ્યાણનું પૂણ્યકાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહ્યું છે. ગરીબ કલ્યાણ મેળાઓ વહીવટની સરળતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે એમ જણાવતા રાજ્ય સરકારે આજ સુધી 11 તબક્કામાં યોજાયેલા 1530 ગરીબ કલ્યાણ મેળાઓમાં રાજ્યના 1.47 કરોડ લાભાર્થીઓને રૂ.26 હજાર કરોડથી વધુની સાધનસહાયથી લાભાન્વિત કર્યા હોવાનું ગર્વથી કહ્યું હતું. સાંસદ ભારતી શિયાળે જણાવ્યું કે, ગરીબના ઘરમાં દીવો પ્રગટાવવો તે ગુજરાત માટે પરંપરા થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોની આ પીડા સમજીને ઉજ્જવલા યોજના, જનઔષધિ સ્ટોર, ઘરે ઘર નળ, શૌચાલય જેવી ગરીબોને સીધી અસર કરતી યોજનાઓ શરૂ કરી ગરીબોના આંસુ લૂંછવાનું કાર્ય કર્યું છે. આપણે સરકારી યોજનાનો લાભ લેવાં માટે જાગૃત થવાની જરૂર છે. જો પ્રક્રિયા સમજીને લાભ મેળવીશું તો તમારા જીવનમાં ફેરફાર આવવાં સાથે સમાજમાં પણ મોટું પરિવર્તન આવશે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરી દવેએ જણાવ્યું કે, મહાનગર અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના આ ગરીબ કલ્યાણ મેળા થકી અનેક ગરીબ પરિવારના ઘરમાં આર્થિક ઉજાસ ફેલાવાનો છે. આજના ગરીબ કલ્યાણ મેળામાં 14 જેટલાં વિભાગોની અનેક યોજનાઓનો સમાવેશ કરીને હાથોહાથ તેના લાભ લાભાર્થીઓને વિતરીત થઇ રહ્યાં છે. આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ ભાવનગરની અનેક સખી મંડળોને મળ્યો છે. કોરોના કાળમાં જેની ખૂબ જ જરૂરિયાત વર્તાઇ હતી તેવા ડ્રગ અને સેનેટાઇઝરનું લાયસન્સ હોય તેવું માત્ર ભાવનગરનું સખીમંડળ હતું. ભાવનગરના મેયર કિર્તીબેન દાણીધારીયાઓ પ્રાસંગિક પ્રવચન કરીને આ મેળા થકી મળેલાં લાભનો તેમના જીવનને સુધારવા માટે ઉપયોગ કરીને ભાવનગર શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ લાવવાં માટે શહેરીજનોને અપીલ કરી હતી. કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આજના ગરીબ કલ્યાણ મેળામાં 101 યોજનાઓનો સમાવેશ કરીને તમામ ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યાં છે કે જેથી સમાજના તમામ વર્ગનો તેમાં સમાવેશ થઇ શકે. કલેક્ટરએ આ લાભોના ઉપયોગથી લાભાર્થીના જીવનમાં સુધારો આવે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. લાભાર્થીઓને હાથોહાથ લાભ, ચેક તથા પ્રમાણપત્રોનું વિતરણ મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીના અમરેલીથી ગરીબ કલ્યાણ મેળાનું લાઇવ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂ ધામેલીયા, શહેર ભા.જ.પા.ના પ્રમુખ રાજીવ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, પ્રોબેશનર આઇ.એ.એસ. જયંત માનકલે, પદાધિકારીઓ- અધિકારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપાલીતાણામાં પેટ્રોલપંપના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
Next articleભાવનગર જિલ્લામાંથી કોરોનાની વિદાય, આજે એકપણ કેસ ન નોંધાયો