રૂ.૧૪.૩૦ કરોડના ૫૩૦ વિકાસના કામોને આયોજન મંડળની મંજૂરી

104

પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના આયોજન હેઠળના ચાલું વર્ષના રૂ. ૧,૪૩૨.૩૨ લાખના ૫૩૦ કામોને મંજૂરી આપવામાં આવી હતી. પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ તમામ મંજૂર કામો તેની સમયમર્યાદામાં પૂર્ણ કરી પ્રજાજનોની સુવિધામાં વધારો કરીએ તે પ્રાથમિકતા આપણી પ્રાથમિકતા હોવી જોઇએ તેમ જણાવી આગામી ૩૦ મી એપ્રિલ પહેલાં કામોની શરૂઆત થઇ જાય તેથી ચોમાસા પહેલાં તે કામો પૂર્ણ થાય તેવી શિસ્તથી ઝડપથી કામોની શરૂઆત કરવા ઉપસ્થિત અધિકારીઓને જનહિતલક્ષી અભિગમથી કાર્ય કરવાં અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત ધારાસભ્યો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખોને પણ જે તે કામો પર ધ્યાન રાખી લક્ષ્ય આપવાં અનુરોધ કરતાં કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે પણ આપણા વિસ્તારમાં થતાં કાર્યો પર દેખરેખ રાખી તે કામ સમયમર્યાદામાં સારી રીતે પૂરી થાય તે માટે રસ દાખવવો જોઇએ. મંત્રીએ કોરોનાને કારણે અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીમાં વધારો કરવાં માટે ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને એક ટીમ તરીકે કાર્ય કરવાં માટે હાકલ કરીને તેના નિર્ધિરિત સમય પહેલાં જ જિલ્લાનું આયોજન કરવાં માટે સમગ્ર ભાવનગર ટીમને અભિનંદન આપ્યાં હતાં.નવા વર્ષના આયોજન હેઠળના મંજૂર કરાયેલા કામોમાં ગ્રામ્ય અને શહેરી વિકાસના કામો તેમજ આરોગ્યને લગતાં સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરમાં ઘટતી સુવિધાઓ, શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવાં, પીવાના પાણીની વ્યવસ્થા રસ્તા, સી.સી. રોડ, પેવર બ્લોક જેવાં અન્ય વિકાસના કામો માટે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીએ કામોનું આયોજન હાથ ધરતી વખતે રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓની પણ અમલવારી થાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અમલીકરણ અધિકારીઓને અગાઉના વર્ષોના બાકી કામો ઝડપથી પૂર્ણ કરવાં તાકીદ કરવામાં આવી હતી. ભાવનગરના જિલ્લા આયોજનની આ બેઠકમાં તાલુકા પંચાયત સ્તરે અને નગરપાલિકા કક્ષાએ આયોજનમાં લેવાયેલા કામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લાના આયોજનની વિગતો જિલ્લા આયોજન અધિકારી કે.વી. પટેલે રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય સર્વ આત્મારામભાઇ પરમાર, વિભાવરીબેન દવે, કનુભાઇ બારૈયા, ભીખાભાઇ બારૈયા, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કલેક્ટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર જિલ્લામાંથી કોરોનાની વિદાય, આજે એકપણ કેસ ન નોંધાયો
Next articleમણારની લોકશાળામાં વિદ્યાર્થીઓએ આકાશદર્શન માણ્યું