ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની ૧૬ પૈકી ૧૩ બેઠકો પર થશે ચૂંટણી, ભાજપ – કોંગ્રેસ સહિત ૨૯ ઉમેદવારો મેદાનમાં, ૭૬૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંકની એક દાયકા બાદ આગામી તારીખ ૨૮ ને સોમવારે ચૂંટણી યોજાનાર છે લાંબા સમય બાદ યોજાનાર ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ સર્જાયો છે અને ભાજપ તથા કોંગ્રેસ માટે ડીસ્ટ્રીકટ બેંકની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે ત્યારે બંને પક્ષે ડીસ્ટ્રીકટ બેંક પર સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જોકે ડીસ્ટ્રીકટ બેંકની ૧૬ બેઠકમાથી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થવા પામી છે અને સોમવારે ૧૩ બેઠકો માટે ચૂંટણી થશે. છેલ્લા એકાદ દાયકાથી ભાવનગર જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી એવી ડિસ્ટીકટ કોપરેટીવ બેંક પર નાનુભાઈ વાઘાણીની પેનલનો દબદબો રહ્યો છે અને લાંબા સમયથી યેન કેન પ્રકારે ચૂંટણી થઈ નથી ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા કોંગ્રેસ દ્વારા ડીસ્ટ્રીકટ બેંકની કોઇ પ્રકારે ચૂંટણી ન કરવાની પેરવી કરે છે અને સત્તા ટકાવી રાખે છે ત્યારે આ વખતે ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં ભાજપની પેનલને વિજયી બનાવી સત્તા હાંસલ કરવા ભાજપ એડી ચોટીનું જોર લગાવશે.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકમાં ક, ખ, ગ અને ઘ એમ ચાર વિભાગોમાં કુલ ૧૬ સભ્યો છે જેમાં ક વીભાગમાં ૧૩ ખ,ગઅને ઘ વિભાગમાં એક એક સભ્યો મળી કુલ ૧૬ બેઠકો થાય છે.
જેમાં ઉમેદવારી ફોર્મ ભરવા અને પાછા ખેંચવાના સમય દરમ્યાન ક વીભાગમાં બે અને ખ વિભાગની એક બેઠક મળી કુલ ત્રણ બેઠક બિન હરીફ જાહેર થવા પામી છે આથી હવે ક વીભાગમાં ૧૧ તથા ગ અને ઘ વિભાગમાં એક-એક મળી કુલ ૧૩ બેઠક માટે ચૂંટણી યોજાશે. ૧૩ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ૧૩-૧૩ ઉપરાંત ૩ બેઠક ઉપર અપક્ષ મળી કુલ ૨૯ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે જેમાં ૧૦ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ તથા ત્રણ બેઠકો પર ત્રિપાખીયો જંગ થશે. ડેપ્યુટી કલેકટર,ગ્રામ્ય મામલતદાર સહિત જવાબદાર અધિકારીઓની દેખરેખ હેઠળ જે-તે તાલુકા મથકો પર બેંકના સભ્યોની ચૂંટણી યોજાશે અને તમામ બેઠકોની ચૂંટણી પૂરી થયા બાદ તારીખ ૨ ને બુધવારે ભાવનગર ખાતે સીટી મામલતદાર કચેરીની બાજુમાં, વિદ્યાનગર ખાતે વીટીસી સેન્ટરમાં મતગણતરી થશે આમ ૨૮મી થનાર બેંકની ચૂંટણીનુ બીજી માર્ચે પરિણામ આવી જશે અને બેંકનું ભાવિ નક્કી થશે જોકે વર્તમાન નાનુભાઈ વાઘાણીની પેનલનું જોર વધારે હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.