ઘોઘાના ખજૂરીયા ચોક ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હઝરત રોશન ઝમીર ચોભાપીર (રહે.) નો ઉર્ષ ઘણી હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવ્યો હતો, જેમાં અસરની નમાઝ બાદ ચાદર શરીફ વાજતે ગાજતે મેમણ મસ્જિદથી ગામના મુખ્યમાર્ગો પર ફરીને દરગાહ શરીફ સુધી લઇ જવામાં આવી હતી ત્યાર બાદ સામુહિક દુઆ બાદ આવેલ તમામ લોકો માટે પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
ત્યાર બાદ રાત્રે કોમી એકતા પર કવ્વાલીની રમઝટ સાથે એકથી એક ચઢિયાતા કલામનું ગાયન પઠણ કરી ગુજરાતના મશહૂર ફનકાર શબ્બીર દેખૈયા, ગઝલકાર અને કવ્વાલ સલીના ખાન અને સાથી કલાકારોએ પોતાના મધુર કંઠે કાર્યક્રમમાં હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ખ્યાતનામ રિધમીષ્ટો રહીશ હાજી, શબ્બીર હાજી, તૌફિક શેખ દ્વારા કવ્વાલીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મશહૂર ફનકાર શબ્બીર દેખૈયા દ્વારા યે ના સમજના ઝેર હે ચોભાપીર કે શેર હે…બનાલો અપના મુકદર અલી અલી કહેકે.. તેમજ સલીના ખાને મોરે અંગના મોઇનુદિન આયો રી…ભરદો જોલી મેરી યા મોહમ્મદ…જેવી મશહૂર કવ્વાલીઓની એકબાદ એક રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, આ ઉર્ષ મુબારક ફક્ત ઘોઘા પૂરતું જ નહિ પરંતું હિન્દૂ-મુસ્લિમોની આસ્થાનું પ્રતીક છે,અહીં કોઈપણ નાત જાત કે જ્ઞાતિના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો દરગાહ પર દર્શન માટે આવે છે અને મનોકામના માંગે છે. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો, હોદ્દેદારો તેમજ હિન્દૂ-મુસ્લિમ ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમને રામ-રહીમ ગ્રુપે ભારે જહેમત ઉઠાવી હતી.