રાજકીય કાર્યકર્તાએ પોતાના મકાનમાં ૯૦ પેટી દારૂ છુપાવી રાખ્યો હતો : દારૂનો જથ્થો પુરો પાડનાર સણોસરાનો શખ્સ હરિયાણાના ગુનામાં વોન્ટેડ મળ્યો
સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા જિલ્લા ભાજપ કારોબારી સદસ્યના ઘરમાં પોલીસે દરોડો પાડી તેના મકાનમાં છુપાવી રાખેલ ૯૦ પેટી વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જ્યારે પોલીસે તેને કોર્ટમાં રજુ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન દારૂ પુરો પાડનાર શખ્સ હરીયાણાના ગુનામાં વોન્ટેડ હોવાનુ ખુલ્યુ હતુ. સોનગઢ પીએસઆઈ ડી. બી. વાઘેલા સહિતનો સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, સિહોર તાલુકાના સણોસરા ગામે સેલ વિસ્તારમાં રહેતા જિલ્લા ભાજપનો કારોબારી સભ્ય બાવચંદ જીવરાજભાઈ ચૌહાણ (ઉ.વ.૫૩) નામના શખ્સે વાડાના કાચા ઓરડામાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઉતારી છુપાવી રાખ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે સોનગઢ પોલીસે દરોડો પાડી શખ્સના કબજા ભોગવટાના મકાનની જડતી તપાસ કરતા બે માળના મકાનના નીચેના રૂમને તાળુ હોય તેની ચાવી માંગતા શખ્સે ચાવી ન હોવાનુ જણાવતા પોલીસે રૂમનુ તાળુ તોડી તપાસ હાથ ધરતા તેમા છુપાવી રખાયેલ વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડ મેકડેવલ નંબર-૧, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૯૦ પેટી (કુલ ૧૦૮૦ બોટલ, કિંમત રૂપિયા. ૫,૧૮,૯૪૫)નો જથ્થો મળી આવતા કબજે લઈ બાવચંદ ચૌહાણની ધરપકડ કરી પુછપરછ કરતા તેના કબજામાં રહેલ સણોસરા ગામના મહેશ રૂપાભાઈ સોલંકી પાસેથી મેળવ્યાનુ ખુલ્યુ હતુ. જેને લઈ સોનગઢ પોલીસે બન્ને શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ તળે ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન આજે સોનગઢ પોલીસે સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે બાવચંદ ચૌહાણને સિહોર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે શખ્સના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે મહેશ સોલંકીની તપાસ હાથ ધરતા મળી આવ્યો ન હતો. મહેશ હરીયાણા પોલીસ મથકના ગુનાના કામે વોન્ટેડ હોવાનુ અને થોડા સમય પુર્વે હરીયાણા પોલીસ તેને પકડવા આવી હોવાનુ પીએસઆઈ વાઘેલાએ જણાવ્યુ હતુ.