ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઓપનર ઈશાન કિશન હોસ્પિટલમાં દાખલ

67

મુંબઇ,તા.૨૭
શ્રીલંકા સામેની બીજી ટી ૨૦ મેચમાં ભારતના ઓપનર ઈશાન કિશન શ્રીલંકાના બોલરના ખતરનાક બાઉન્સરને કારણે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભારતના વિકેટ કીપર બેટ્‌સમેનને કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ઈશાનનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં, ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન એક ખતરનાક બાઉન્સરે તેના હેલ્મેટને વાગ્યું હતું. બોલ તેના કપાળ પાસે હેલ્મેટ પર વાગ્યો હતો. જે બાદ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. જોકે ઈશાને ફરી બેટિંગ કરી હતી, પરંતુ ગયા શનિવારની મેચમાં તેનું બેટ વધુ પ્રદર્શન કરી શક્યું ન હતું. ઈશાન કિશનને હેલ્મેટ પર વાગવાની ઘટના ભારતીય ઈનિંગની ચોથી ઓવરની છે. તે દરમિયાન શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારા રમી રહ્યા હતા. આ બોલની ઝડપ ૧૪૬ કિલોમીટર પ્રતિ કલાક હતી. જ્યારે બોલ ઈશાનને વાગ્યો ત્યારે તેની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે મેદાન પર બેસી ગયો. આ દરમિયાન શ્રીલંકાના ખેલાડીઓ પણ તેમની હાલત પૂછવા માટે તેમની પાસે પહોંચ્યા હતા. જોકે, તરત જ ફિઝિયો મેદાન પર આવ્યો અને ઈશાનને તપાસ્યો, બાદમાં ઈશાન ફરીથી બેટિંગ કરવા ઉભો થયો. શ્રીલંકા સામેની બીજી ટી૨૦માં ઈશાન કિશનની ઈનિંગ જોવા મળી ન હતી જે પ્રથમ ટી૨૦માં જોવા મળી હતી. આ મેચમાં તે થોડો પરેશાન જોવા મળ્યો હતો. તે લાહિરુ કુમારા સામે લડી રહ્યો હતો. તો તે ૧૫ બોલમાં માત્ર ૧૬ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લાહિરુ કુમારાએ પણ તેને આઉટ કર્યો હતો. હાલ ઈશાન ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે.

Previous articleસાજિદ નડિયાદવાલા કપિલ શર્માને લઈને ફિલ્મ બનાવશે
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે