દેશમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો : અત્યાર સુધી ૪ કરોડ ૨૨ લાખ ૯૦ હજાર ૯૨૧ લોકો કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે
નવી દિલ્હી, તા.૨૭
દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦ હજાર ૨૭૩ કેસ સામે આવ્યા છે અને ૨૪૩ લોકોના મૃત્યુ થયા છે. શનિવારે ૧૧ હજાર ૪૯૯ કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલના મુકાબલે આજે કેસમાં ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧ લાખ ૧૧ હજાર ૪૭૨ થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૫ લાખ ૧૩ હજાર ૭૨૪ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૨૨ લાખ ૯૦ હજાર ૯૨૧ લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. કેરલમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના ૩૨૬૨ નવા કેસ સામે આવ્યા અને ૧૮૧ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કેરલમાં સંક્રમણના કુલ કેસ વધીને ૬૪,૯૪,૬૮૦ થઈ ગયા અને મૃતકોની સંખ્યા ૬૫૧૬૧ પર પહોંચી ગઈ છે. રાજ્યમાં ૧૮૧ મૃત્યુમાંથી, છેલ્લા ૨૪ કલાકમાં નવ થયા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ૫૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે પરંતુ દસ્તાવેજો સોંપવામાં વિલંબને કારણે આ રેકોર્ડ કરવામાં આવ્યા નથી. બાકીના ૧૧૬ મૃત્યુ કોવિડ-૧૯ને કારણે થયેલા મૃત્યુ તરીકે કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાના આધારે મળેલી અપીલો બાદ નોંધવામાં આવ્યા હતા. રાષ્ટ્રવ્યાદી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ રસીના આશરે ૧૭૭ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે ૨૪ લાખ ૫ હજાર ૪૯ ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના ૧૭૭ કરોડ ૪૪ લાખ ૮ હજાર ૧૨૯ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી ગ્રસ્ત લોકોને ૧.૯૯ કરોડથી વધુ (૧,૯૯,૭૭,૪૭૬) પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણની શરૂઆત ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી કરવામાં આવી હતી.