ગેસ લાઇન ઉડાવતા હવામાં ઝેરી ગેસ ભળી ગયો : લોકોને ચહેરો ઢાંકવા અને ઘરની બારી બંધ રાખવાની સલાહ
કિવ, તા.૨૭
રશિયા હવે યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે રશિયાના હવાઈ હુમલાથી યુક્રેન ધણધણી ઉઠ્યું છે. જંગનો ચોથો દિવસ એટલે કે રવિવારની સવાર યુક્રેન માટે ફરી મુશ્કેલી લઈને આવી છે. હકીકતમાં રશિયન સૈનિકોએ યુક્રેન પર સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ બીજા સૌથી મોટા સહેર ખારકીવમાં ગેસ પાઈપલાઇન ઉડાવી દીધી છે. તેમાં ચારે તરફ ધુમાડો ફેલાયો અને કહેવામાં આવી રહ્યું છે કે આસપાસના વાતાવરણમાં ઝેરી હવા ફેલાઈ ગઈ છે. આ કારણે ખારકીવમાં હવે ગેસને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રશિયન સેનાએ દેશના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં એક ગેસ પાઇપલાઇનને ઉડાવી દીધી. આ ધમાકો એટલો જબરદસ્ત હતો કે તેના કારણે એક મશરૂમ ક્લાઉડ બની ગયું. આ તબાહીનું કારણ બની શકે છે. તો સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન તરફથી રશિયાના હુમલા બાદ ચેતવણી આપવામાં આવી શે કે સ્થાનીક લોકો પોતાના ઘરની બારીઓ ખોલે નહીં. સાથે સલાહ આપવામાં આવી છે કે લોકો પોતાના નાક પર ભીનું કપનું રાખે, જેથી તેને શ્વાસ લેવામાં મુશ્કેલી ન થાય. જેટલું બની શકે એટલું પાણી પીવે. ખાવામાં પણ પ્રવાહી વસ્તુને મહત્વ આપે. સરકાર તરફથી જાહેર એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાઇપલાઇનને કારણે નિકળેલો ઝેરી ગેસ ખતરનાક હોઈ શકે છે. જેથી તેમાંથી બચાવ કરવો ખુબ જરૂરી છે. તો યુક્રેનના એક અધિકારીએ ઇરીના વેનેડિક્તોવાએ કહ્યું કે રશિયન સેના ખારકીવ પર કબજો કરવા ઈચ્છે છે. જેથી એક ભયંકર લડાઈ ચાલી રહી છે. એજન્સી પ્રમાણે ૧૫ લાખની વસ્તીવાળા શહેર ખારકીર રશિયાની સરહદથી આશરે ૪૦ કિલોમીટર દૂર છે. રશિયાના સૈનિકોએ શહેરના કેન્દ્રથી ૪ કિમી દૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટ્રીની બહાર પણ ગોળીબારી કરી છે.