માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા : મોદી

314

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી
નવીદિલ્હી,તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન ઉત્સાહીઓને શુભેચ્છા પાઠવી હતી અને માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા હાકલ કરી હતી. આ દિવસ ‘રામન ઇફેક્ટ’ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે, જેના માટે ભારતીય ભૌતિકશાસ્ત્રી સીવી રામનને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ટ્‌વીટ કર્યું કે, “તમામ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનમાં રસ ધરાવનારા તમામને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભકામનાઓ. ચાલો આપણે આપણી સામૂહિક વૈજ્ઞાનિક જવાબદારી પૂરી કરવા અને માનવ પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ.” વડાપ્રધાને ‘મન કી બાત’ કાર્યક્રમમાંથી એક ‘ક્લિપ’પણ શેર કરી, જેમાં તેઓ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વાત કરતા સાંભળી શકાય છે. તેમણે તમામ પરિવારોને તેમના બાળકોમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવાના પ્રયાસો કરવા અપીલ કરી હતી.આપને જણાવી દઈએ કે, દર વર્ષની ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. પહેલો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૨૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના રોજ મનાવવામાં આવ્યો હતો.ભારતને વિજ્ઞાનના ક્ષેત્રમાં ઊંચાઈએ પહોંચાડવામાં તેમનો ખૂબ મોટો ફાળો છે. સીવી રામન તેમની શોધ ‘રામન ઇફેક્ટ’ માટે વિશ્વભરમાં જાણીતાં છે. આ શોધ માટે, તેમને વિશ્વના પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આજેપણ રામન ઇફેક્ટની મદદથી વૈજ્ઞાનિકો ઘણાં પ્રકારના પ્રયોગો કરી રહ્યાં છે. આજના દિવસે જ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિક સીવી રામને ‘રામન ઈફેક્ટ’ની જાહેરાત કરી હતી, તેમની થીયરી મુજબ જ્યારે પ્રકાશ પારદર્શક સામગ્રીમાંથી પસાર થાય છે. ત્યારે તે સમય દરમિયાન પ્રકાશની તરંગ લંબાઇ બદલાય છે. તેમની થિયરીને પગલે સીવી રામનને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમને વર્ષ ૧૯૨૯માં નાઈટહૂડ, વર્ષ ૧૯૫૪માં ભારત રત્ન અને વર્ષ ૧૯૫૭માં લેનિન શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અને ૧૯૩૦માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સીવી રમનનું પુરૂ નામ ચંદ્રશેખર વેંકટ રમન હતું. તેમનો જન્મ ૭ નવેમ્બર ૧૮૮૮માં તમિલનાડુના તિરૂચિલાપલ્લીમાં થયો હતો.સર સીવી રામનનો જન્મ ૭ નવેમ્બર ૧૮૮૮ના રોજ તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સી તામિલનાડુમાં થયો હતો. તેમના પિતા ગણિત અને ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતાં. સી.વી. રામને મદ્રાસની તત્કાલીન પ્રેસિડેન્સી કોલેજમાંથી બી.એ કર્યું અને ૧૯૦૫માં ગણિતમાં પ્રથમ વર્ગમાં પાસ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતાં. આ કોલેજમાં જ એમએમાં પ્રવેશ લીધો અને મુખ્ય વિષય તરીકે ભૌતિકશાસ્ત્રની પસંદગી કરી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબેલારૂસમાં રશિયા અને યુક્રેન વચ્ચે મંત્રણા શરૂ