ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં ૨ માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે, અને ૩ માર્ચે ભુપેન્દ્ર પટેલ સરકારનું પહેલું બજેટ રજૂ થશે. વિધાનસભાના સત્રની તૈયારી માટે આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી હાજર રહેશે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર સહિતના આગેવાન હાજર રહેશે. બજેટ સત્રના કામકાજ અંગે બેઠકમાં ચર્ચા થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. આગામી ૩ માર્ચે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી કાર્યરત રહેશે. ૧૨૧ દિવસના શાસનની ઉજવણી કરનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું બજેટ સત્ર ૨જી માર્ચના બુધવારથી શરૂ થશે, જે ૩૧મી માર્ચ સુધી ચાલશે. ૩જી માર્ચે નાણામંત્રી કનુભાઈ દેસાઈ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સરકાર પોતાના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાતમાં ૩ માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ બજેટ રજૂ કરશે. આ વખતના બજેટ સત્રમાં શનિ-રવિવારની ૮ રજાઓ ઉપરાંત ૧૮મી માર્ચે હોળીની રજા સહિતના ૯ દિવસને બાદ કરતાં બાકી રહેતાં ૨૨ દિવસ માટે આ સત્ર કામ કરશે. જેમાં ૫થી ૮ જેટલી ડબલ બેઠકો પણ યોજાશે. ગાંધીનગર વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન સાથે ૨ માર્ચના રોજ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ત્યારબાદ સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે ૩ માર્ચે નાણાં મંત્રી વિધાનસભામાં ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરશે. ૨૨ દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગના બજેટમાં વધારો કરાશે. અંદાજ પત્ર પર ૪ દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે. જ્યારે રાજ્યપાલના સંબોધન પર ૩ દિવસ તેમજ પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા ચાલશે.જોકે આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે આ સત્ર તોફાની બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે. અંદાજ પત્રની માંગણીઓ પર ચર્ચા માટે ૧૨ દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી વિધેયકો પર ૪ દિવસ ચર્ચા ચાલશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયા મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ ૩૧ માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે.