તખ્તેશ્વર મહાદેવ અને ભગવાનેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી
દેવોનાં દેવ મહાદેવને પ્રસન્ન કરવાના પર્વ મહાશિવરાત્રીની આજે મંગળવારના રોજ સમગ્ર ગોહિલવાડમાં ભારે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહાશિવરાત્રી અન્વયે શહેર-જિલ્લામાં આવેલ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવનગરના ભાવેણાનું આસ્થાનું પણ પ્રતિક એવું મંદિર એટલે ‘તખ્તેશ્વર મહાદેવ’. આ મંદિર ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર છે. જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવવામાં આવેલું છે. આજે મહાશિવરાત્રી નિમિતે આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભાવનગર શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલા શિવ વિહાર ટ્રસ્ટના ભગવાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રી નિમિતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ મહાદેવની દુધના અભિષેક સાથે પૂજા કરી હતી. ઉપરાંત આજે પ્રસાદી રૂપે દરેક શિવાલયોમાં ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી.
પ્રતિવર્ષ મહાવદ અમાસના દિવસને મહાશિવરાત્રી પર્વ તરીકે ઉજવવામાં આવે છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓમાં પ્રધાન દેવ જો કોઈ હોય તો તે મહાદેવ છે. આજરોજ મહાશિવરાત્રી પર્વની ભાવનગર શહેર-જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે, શિવ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી શિવાલયોમાં ભીડ જમાવી મહાદેવની પૂજા અર્ચના કરશે. ભોળાનાથને પ્રિય ભાંગનો પ્રસાદ ચડાવાશે. સાથે જ અલગ અલગ પદાર્થોનો અભિષેક કરી સુરક્ષાની કામનાઓ કરાશે. શહેરમાં આવેલા પ્રાચિન શિવાલયો જેમાં જશોનાથ, તખ્તેશ્ર્વર મહાદેવ, ગંગનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં શિવભક્તોનો મેળો જામશે. શહેરમાં આવેલા શિવ મંદિરોને સુંદર રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યાં છે. ઉપરાંત જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા નિષ્કલંક, ગોપનાથ, સિહોર ગૌવતમેશ્ર્વર સહિતના શિવાલયમાં ભક્તો ઉમટી પડવાની પુરેપુરી શક્યતા જોવાઈ રહી છે.
શ્રધ્ધાળુઓ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરીયા, સામો, રાજગરો, બટેટા, સાબુદાણા તથા ફળફળાદિ આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરશે. અનેક શિવાલયોમાં હોમાત્મક લઘુરૂદ્ર, સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આજના દિવસે શિવજીની ત્રણ પ્રહરની મહાપૂજાનું વિશેષ મહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. આથી આધિ-વ્યાધિ, ઉપાધિમાંથી અને સાંસારિક વિટંબણાઓમાંથી મુક્ત થવા જીવ શિવના શરણે જશે. છેલ્લા બે વર્ષથી “કોરોના”ની વૈશ્વિક મહામારીએ લોકો સાથોસાથ આપણે ત્યાં ઉજવાતા પ્રસંગો-ઉત્સવોને પણ બાનમાં લીધા હતા. પરંતુ તાજેતરમાં સામાન્ય પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પસાર થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે શિવભક્તો દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની ઉજવણીમાં ઓતપ્રોત બન્યા હતા.