નવીદિલ્હી,તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરમાં જનતાને સંબોધિત કરી રહ્યા છે. તેમને કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે મણિપુરે સોમવારે એક નવો ઈતિહાસ રચ્યો છે. ગઈકાલે પ્રથમ ચરણમાં ચૂંટણીમાં મણિપુરે નક્કી કરી લીધું કે ઉત્તરપૂર્વના હવે વિકાસનો સૂરજ જ ઉગશે. જે લોકોએ મણિપુરને આટલા દાયકા સુધી પાછળ ધકેલ્યુ તેમને હવે લોકો ફરી મોકો નહીં આપે. ભાજપ સરકાર ગો ટુ હિલ્સ, ગો ટુ વિલેજ જેવા કનેક્ટીંગ અભિયાન ચલાવી રહી છે. જેનાથી તેમનું ષડયંત્ર તુટી રહ્યું છે. જેમ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિનો નાશ થઈ રહ્યો છે, તેમ કોંગ્રેસનો પણ નાશ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મણિપુર, જે એક સમયે અહીંની સરકારો દ્વારા બોમ્બ અને નાકાબંધીમાં કેદ હતું, ત્યારે મણિપુર આજે સમગ્ર ભારત માટે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. મણિપુર હંમેશાથી ભારતની એકતા અને અખંડતાનું પ્રતિનિધિત્વ કરતું રહ્યું છે. અહીંના લોકોએ આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું હતું પણ કોંગેસે મણિપુરના આ ઈતિહાસને આ બલિદાનો અને નેતાજીને ક્યારેય સાચા મનથી શ્રદ્ધાજંલિ આપી નથી. કોંગ્રેસ પર નિશાનો સાધતા વડાપ્રધાન મોદી બોલ્યા કે કોંગ્રેસે મણિપુરનો વિકાસ નથી કર્યો પણ મણિપુરને શાંતિ અને સમૃદ્ધિથી દૂર રાખ્યું. તેમને કહ્યું કે આજે નવા મણિપુરની ઓળખ સ્કિલ, સ્ટાર્ટઅપ અને સ્પોર્ટસથી થઈ રહી છે. રાજ્ય સરકારે ૫,૫૦૦થી વધારે સ્ટાર્ટઅપને મદદ આપી છે. આવનારા સમયમાં અમારી સરકાર ૧૦૦ કરોડ રૂપિયાના મણિપુર સ્ટાર્ટ અપ ફંડ પણ બનાવશે. તેમને એ પણ કહ્યું કે ડબલ એન્જિનની સરકાર આગામી કાર્યકાળમાં મણિપુરમાં એઈમ્સની સ્થાપના પણ કરશે. વડાપ્રધાને છેલ્લે મણિપુરની જનતાને ૫ તારીખે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી. તેમને કહ્યું તમે મોટી સંખ્યામાં મતદાન કરો. મણિપુરની શાંતિ માટે મતદાન કરો. વિકાસ માટે મતદાન કરો અને મણિપુરના ભવિષ્ય માટે મતદાન કરો.