રાજકીય નેતાગીરીની ખાત્રી વચ્ચે વિમાની કંપનીએ સ્ટાફની બદલી કરી પોરબંદર મુકી દીધો
હવાઇ સેવામાં ભાવનગરને વધુ એક અન્યાય થવા જઇ રહ્યો છે. એર ઇન્ડિયા કંપનીએ ભાવનગર-મુંબઇ, ભાવનગર વચ્ચેની વિમાની સેવા ૮ માર્ચથી બંધ કરવા જાહેરાત કરી દીધી છે.
દરમિયાનમાં આજે કંપનીએ સ્ટાફને પણ કેશોદ ખાતે બદલી આપી દીધી છે આથી એર ઇન્ડિયાની હવાઇ સેવાને ભાવનગરમાં તાળા લાગશે તે આ ઘટના પરથી નિશ્ચિત માનવું રહ્યું.
ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂઆતમાં દૈનિક અને બાદમાં સપ્તાહમાં ત્રણ દિવસ હવાઇ સેવા કરી દેવાઇ હતી. એકંદરે એર ઇન્ડિયાની વિમાની સેવા પ્રવાસીઓને અનુરૂપ હતી તેમજ કંપનીને પણ સારૂ એવું ટ્રાફિક મળી રહેતું હતું પરંતુ સપ્તાહમાં ત્રણ દિવસ હવાઇ સેવા ટૂંકાવ્યા છતાં કોઇ કારણોસર ભાવનગરની આ સેવા બંધ કરવા એર ઇન્ડિયા કંપની દ્વારા નિર્ણય લેવાયો છે. આ સામે ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે અવાજ ઉઠાવી ભાવનગરની આ હવાઇ સેવા યથાવત રહે તે માટે પ્રયાસો કર્યાં છે અને ભાવનગરના પનોતા પુત્ર-કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા તથા સાંસદ ભારતીબેન શિયાળને મધ્યસ્થી કરવા અનુરોધ કર્યો હતો જે અનુસંધાને રાજકીય પ્રતિનિધિત્વ દ્વારા ભાવનગરને અન્યાય નહીં થાય તેવી ખાત્રી મળી છે.
જો કે, રાજકીય બાહેંધરી વચ્ચે મળતી વિગતો મુજબ એર ઇન્ડિયા કંપનીએ ભાવનગર ખાતે રહેલો તેમનો ૮ થી ૧૦ વ્યક્તિનો સ્ટાફનો બદલીનો ઓર્ડર કેશોદ ખાતેનો કર્યો છે. આમ ભાવનગરની એર ઇન્ડિયાની હવાઇ સેવા ખુચવાશે તે કંપનીના આ પગલાથી નિશ્ચિત થઇ રહ્યું છે. જો કે, રાજકીય નેતાગીરી સબળ રહેશે તો હજુ પણ ભાવનગરને ન્યાય મળવાની સંભાવના છે !
સ્પાઇસ જેટની સેવા રહેશે પરંતુ ભાવ ઉંચા રહેવા સંભાવના
ભાવનગર-મુંબઇ વચ્ચે હાલ સપ્તાહમાં ત્રણ દિવસ બુધ, ગુરૂ અને શનિવાર સ્પાઇસ જેટની વિમાની સેવા મળી રહી છે પરંતુ કોઇ સ્પર્ધક નહીં રહેતા આગામી દિવસોમાં સ્પાઇસ જેટની વિમાની સેવાના ટીકીટના દર ઉંચા જાય તેવી સંભાવના નિષ્ણાંતો જોઇ રહ્યા છે. આમ, ભાવનગરના પ્રવાસીઓને આર્થિક ડામ પણ પડશે !