વિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ : રાજેન્દ્રસિંહ રાણા

85

’વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહની ઉજવણી લોકવિદ્યાલય માઈધાર ખાતે થઈ, જેના સમાપનમાં પૂર્વ સાંસદ અને વિચારક રાજેન્દ્રસિંહ રાણાએ વિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્ર અમૃત મહોત્સવ સંદર્ભે દેશના ૭૫ સ્થાનો પર ’વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના વડા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે પાલિતાણા પાસે માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં સુંદર આયોજન થઈ ગયું. અહીં ભાવનાબેન પાઠકના નેતૃત્વમાં અને પાર્થેશભાઈ પંડ્યાના સંકલનમાં પ્રદર્શન, નિદર્શન તેમજ અન્ય કાર્યકરોનો લાભ આ પંથકની શાળાઓએ મોટા પ્રમાણમાં લીધો. સોમવારે વિજ્ઞાન સપ્તાહ સમાપન પ્રસંગે પૂર્વ સાંસદ અને વિચારક રાજેન્દ્રસિંહ રાણાએ વિજ્ઞાનના વિવેકપૂર્ણ ઉપયોગ પર વાત કરતા વિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું. માણસને માણસ તરીકે જીવવામાં ઉપયોગી થાય તે વિજ્ઞાનની સાર્થકતા ગણાવી. આ પ્રસંગે જાણિતા શિક્ષણવિદ્‌ નલિનભાઈ પંડિતે શિક્ષણ પ્રવૃત્તિ મુક્ત રીતે થવી જોઈએ તેમ કહી બંધિયાર શિક્ષણની વ્યવસ્થાને વખોડી. આ પ્રસંગે ભાવનગર શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટે તેમજ અન્યોએ પ્રાસંગિક વાતો કરી હતી. સણોસરા લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમૂરારિ, ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વડા ડાયાભાઈ ડાંગર સાથે દિનેશભાઈ ડાંગર તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. સમાપન કાર્યક્રમ સંચાલનમાં એભલભાઈ ભાલિયા રહ્યા હતા. આભાર વિધિ કલ્યાણભાઈ ડાંગરે કરી હતી. પાતુભાઈ આહીર, નિર્મળભાઈ પરમાર સહિત સંસ્થા પરિવાર દ્વારા સુંદર આયોજન રહ્યું.

Previous articleદાહોદ જિલ્લા ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી ડી.પી.પટેલ વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો
Next articleકોમન સર્વિસ સેન્ટર દ્રારા કેન્દ્ર સરકારના પ્રોજેકટ ’મેરા ગાંવ – મેરી ધરોહર’ પ્રોજેક્ટની ભાવનગર જીલ્લામાં શરૂઆત