રાષ્ટ્રપ્રેમ એટલે દેશ માટેનો આદર, પ્રેમ, કશુંક કરી છૂટવાની, ન્યોછાવર , ફના થઇ જવાની ભાવના. જેમાં ત્યાગ, સમર્પણ, બલિદાન આપવાની તત્પરતા હોવી જોઇએ. જેના નામમાત્રથી શરીરનું રોમેરોમ પુલકિત થાય, જેના માટે આંખમાં લોહીના ટશિયા ફૂટે કે આંખમાં અંગારા સળગે, દુશ્મનોના શીરકલમ કરવાની તમન્ના હોય! દૂધમલિયા ખુદીરામ બોઝ, ભગતસિંહ મગનલાલ ઢીંગરા જેવા અનેકાનેક સપૂતોએ પક્ષનો વિલંબ કર્યા વિના સાપ કાંચળી ઉતારે તેમ માભોમ માટે શહીદી વ્હોરી લીધેલી.આવા સપૂતો પ્રાંતઃ સ્મરણીય, પરમશ્રધ્ધેય અને પુણ્યશ્લોક છે!! એની સરખામણીએ આપણો રાષ્ટ્રપ્રેમ તકલાદી છે એમ કહું તો પ્લીલીઇઇઝ ગુસ્સે થઇ રાષ્ટ્રદ્રોહીનું લેબલ ચિપકાવતા નહીં કે માનહાનિનો મુકદ્દમો ઠોકતા નહીં. તમે હ્દય પર હાથ મુકીને કહો કે કદી લશ્કરમાં જોડાઇ રણમોરચે દુશ્મનોના દાંત ખાટા કરવાની સજજતા ખરી?
૧૫ મી ઓગષ્ટ કે ૨૬ મી જાન્યુઆરીએ કાર કે બાઇક પર પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ લગાડવા રે ચહેરા પર રંગથી રાષ્ટ્રધ્વજ
ચિતરવામાં રાષ્ટ્રધર્મની ઇતિશ્રી થઇ જાય! રંગ દે બસંતી ચૌલા, અય મેરે વતનને લોગો,દે દી હમે આઝાદી બિના ખડગઢાલ, આઇ લવ માય ઇન્ડિયા જેવા ગીતો ગાવાથી રાષ્ટ્રપ્રેમ સમાપ્ત થઇ જાય!! પછી આવતા વરસે માળિયા પર ચડેલ રાષ્ટ્રપ્રેમને ધૂળ ખંખેરી વાપરી લેવાનો?? બીજે દિવસે ઝંડાની દુર્દશા જોઇ જાડી ચામડીના હદયમાં ચરચરાટ કયાં થાય છે??આપણો રાષ્ટ્રપ્રેમ સોડાવોટરના ઉભરા જેવો ક્ષણજીવી છે!!!
આપણે ધંધો વ્યવસાય રોજગાર કરીએ ત્યારે પાંચ પૈસાનો ફાયદો જોઇએ છીએ, દેશનું જે થવું હોય તે થાય મારું તરભાણું પેલાં ગોરની જેમ ભરાવું જોઇએ. ઉંચી કિંમત લઇને ચાઇનીઝ માલ ઠઠાડીએ છીએ. કેમ? વંદેમાતરમ બોલી જે ખેલ ખેલવાનો હોય તે ખેલો!!!
આપણા દેશમાં જે કોઇ ગફલા, કૌભાંડ રે સ્કેમ થયા તે આપણા જ લોકોએ કર્યા છે, રમખાણો કરવા બહારના દેશના લોકો આવ્યા નથી યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્રઃ રમન્તે દેવતાઃ પોપટની જેમ રટીને નારી વિરૂધ્ધના ગુના, અત્યાચારો, શોષણ, અસમાનતા આચરવા કોઇ યુરોપથી આવ્યું નથી!!
ઇઝરાયેલ જેવો ટચુકડો દેશ ડાઘિયા કૂતરા જેવા દેશ વચ્ચે ઘેરાયેલ છે. માત્ર અને માત્ર શુધ્ધ, અણિશુદ્ધ ,પરિશુધ્ધ, વિશુદ્ધ ( ભાઇ કોઇ સિંગતેલની જાહેરાત નથી!!) ધધકતા, ભભૂકતા ,જવાળામુખી જેવા રાષ્ટ્રો સામે ઉન્નત મસ્તકે લડી રહ્યું છે. જતાં તમામ નાગરિકો માટે મિલિટરી તાલીમ ફરજિયાત છે!! આપણે ત્યાં ??
વિસ્તારવાની નીતિને વરેલા રશિયાએ તેના સાથી એવા ટચુકડા યુક્રેન પર હુમલો કર્યો. કીડી પર કટક જેવો ઘાટ થયો!! રશિયાને એમ કે મગતરા જેવા યુક્રેનને ઘડીના છઠ્ઠા ભાગમાં રગદોળી નાંખીશું!
અફઘાનિસ્તાન પર તાલિબાને હુમલો કર્યો ત્યારે અફઘાન પ્રમુખ અબ્દુલ ગની ડંફાસ મારતા હતા અને પછી ગરીબ ગાય જેવી પ્રજાને તાલિબાન જેવા કસાઈના હવાલે સોરી દીધી. ઇરાકના સદામ હુસેન પણ અમેરિકા સામે ઘૂંટણ ટેકવી દીધા હતા . તેની સામે યુર્ક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બહાદુરીથી ઝીંક ઝીલી છે. તેને અને તેના પરિવારને અમેરિકાએ સેફ પેકેજ ઓફર કર્યો, ઝેલેન્સ્કીએ વટકે સાથ ઠુકરાવી દીધી.
યુક્રેનના નાગરિકોને હથિયાર રાખવાની છૂટ આપી. જેને હથિયાર ચલાવતા આવડતું હોય તેમને લડવા માટે આહવાન આપ્યું!!
પૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના, જે સ્વયંસેવકોમાંની એક છે, તેણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના સામે લડવા માટે હથિયાર ઉપાડ્યા છે. તે કિવમાં ભરતી કેન્દ્રો પર શસ્ત્રો જારી કરવાની રાહ જોઈને નાગરિકોની ’લાંબી કતારો’ સાથે છે. ૨૦૧૫ માં મિસ યુક્રેન સ્પર્ધા જીતનાર લેનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તે રશિયન સૈનિકો સામેના પ્રતિકારમાં જોડાઈ છે. લેના તુર્કીમાં પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ કરે છે. તેણે બે હેશટેગ સાથે એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું – ’યુક્રેનની સાથે ઉભા રહો અને યુક્રેનમાંથી હટી જાઓ.આપણે ત્યાં મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ માટે આવી કલ્પના પણ કરી શકીએ? એમન વાત તો જવા દો મિસ તળાજા કે મિસ ડાંગ કે મિસ ધોલેરા લિપસ્ટીકના લશ્કર સાથે લડતી હોય!! નાઝોનખરામાંથી ઉંચી આવે તો સરહદે લડવા જાયને!!
ક્રેનની રાજધાની કીવ પર અત્યારે રશિયન સૈનિકો ઘેરો ઘાલી રહ્યા છે. રશિયાન સૈનિકો સામે બાથ ભીડવા માટે યુક્રેનના સામાન્ય નાગરિકો પણ સામે આવી રહ્યાં છે યુક્રેનના ઘણાં તબીબો, આર્કિટેક્ટ, સંગીતકારો અને જાદુગર સહિતના વ્યાવસાયિકો પણ હથિયાર લઇ રસ્તાઓ પર ઉતર્યા છે અને રશિયન સૈનિકોનો સામનો કરી રહ્યા છે.દિવ્યાંગો પણ લડી રહ્યા છે. હું ભાગવા માંગતી નથી, પરંતુ હું મારી ધરતી પર રશિયન સૈનિકો સાથે લડવા માંગુ છું. યુક્રેનની તમામ મહિલાઓ અત્યારે કહી રહી છે કે જો તેઓ રસોઇ કરી શકે છે, તો તેમના માટે પણ આ એ જ રીત છે. હાલમાં, ૧૮ થી ૬૦ વર્ષની વયના નાગરિકો યુક્રેનમાં લડવા માટે તૈયાર થઈ રહ્યા છે.સેનાને પ્રોત્સાહિત કરવા રાજકારણીઓ પણ સામાન્ય લોકો સાથે શસ્ત્રો ઉપાડી રહ્યા છે. યુક્રેનની સંસદના સૌથી યુવા સાંસદ સ્વિયાતોસ્લાવ યુરાશે(Sviatoslav Yurash)પણ હથિયાર ઉપાડ્યા છે.
૨૬ વર્ષીય સાંસદ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સલાહકાર પણ છે. તેઓ હાથમાં AK47 લઈને કિવની શેરીઓમાં ફરી રહ્યાં છે. છેલ્લા બે વર્ષમાં તેમણે પોતાની પાર્ટીના સભ્યો માટે હથિયારોની વ્યવસ્થા કરી દીધી છે અને હવે તે તેની સુરક્ષા માટે કિવમાં ઉભા છે. અન્ય એક મહિલા સાંસદ ઇન્ના સોવસાને પણ રાજધાનીમાં રહેવાનું પસંદ કર્યું છે અને તે પણ હથિયારો સાથે હાજર છે. જોકે તે હજુ પણ તેને ચલાવવાનું શીખી રહી છે. . આ દરમિયાન ત્યાંની મહિલા સાંસદ કિરા રુદિક (Kira Rudyk) ની એક તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુક્રેનના પુરુષોની જેમ મહિલાઓ પણ દેશની માટીની રક્ષા કરશે તેમ તેણે કહ્યું છે.
અને આપણા નેતાઓ?પાવડા,જેસીબીથી રૂપિયા ઉસેડવામાં પડયા છે.ઇલેકશન મોડ પર એકમેક પર કાદવકીચડ ઉછાળામાં રમમાણ છે!!!
ખબર નથી પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ “ઘટમાં ઘોડા થનગને ને આત્મ વીંઝે પાંખ, વણખેડાયેલી ભોમ પર યોવન માંડે આંખ” યુક્રેનને ઉદેશીને લખી હશે!!
ચકરડુંઃ કોરોનાના કહેર, યુક્રેન પર રશિયા હુમલો કરતાં પણ વધારે દસ રિચર સ્કેલનો આંચકો દૂધના ભાવમાં વધારાથી અનુભવાયો છે!!
-ભરત વૈષ્ણવ