રશિયાના યુક્રેન પરના આક્રમણને સાત દિવસ થઈ ગયા છે.યુદ્ધના કારણે યુક્રેનના ઘણા શહેરોમાં તબાહી મચી છે તો રશિયા પણ યુધ્ધની અસરોથી બચી શક્યુ નથી. રશિયા પર અમેરિકા સહિત ઘણા દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવ્યા હોવાથી રશિયન બેન્કોના ગ્રાહકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રશિયન કરન્સી રુબલ અમે્રિકાના ડોલરની સામે ગગડી રહી છે ત્યારે રશિયામાં કેશ માટે પણ મારામારી છે.ખાદ્ય પદાર્થોની કિંમતમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે. રશિયન રુબલ ગગડયો હોવાથી આમ લોકોની બચતનુ પણ ધોવાણ થયુ છે.લોકો એટીએમમાંથી પૈસા કાઢવા માટે ધસારો કરી રહ્યા છે.જ્યાં જુઓ ત્યાં પૈસા કાઢવા એટીએમ પર લાઈનો જોવા મળી રહી છે. આમ આર્થિક મોરચે રશિયાને નુકસાન થઈ રહ્યુ છે.રશિયાની બેન્કોની વિદેશની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહી છે.અમેરિકાએ કહ્યુ છે કે, રશિયાનુ જે પણ ડાયરેકટ રોકાણ અમેરિકામાં આવે છે તે અટકાવી દેવામાં આવશે.જેનાથી રશિયાને ૬૩૦ અબજ ડોલરનો ફટકો પડશે તેમ મનાઈ રહ્યુ છે. રશિયાના લોકો આર્થિક સંકટથી ડરેલા છે અને એટલે જ રોકડ માટે ત્યાં મારામારી થઈ રહી છે.રુબલને લોકો વિદેશી કરન્સીમાં ફેરવવા માંગે છે.જોકે યુધ્ધ પહેલા એક ડોલર સામે રુબલનો ભાવ ૭૫ હતો તે હવે વધીને ૧૧૩ થઈ ગયો છે.જેના પગલે રશિયામાં આયાતી વસ્તુઓના ભાવ પણ આસમાને છે.
લોકો વહેલી તકે જરુરિયાતની વસ્તુઓનો સ્ટોક કરી લેવા માંગે છે અને તેના કારણે કેશ કાઢવા માટે એટીએમ પર લાઈનો પડી રહી છે.