કેટલાક છાત્રોએ કાપડ પર પેઈન્ટથી તિરંગો પેઈન્ટ કરીને તેનો દેશ છોડવામાં ઢાલ તરીકે ઉપયોગ કર્યો
કીવ, તા.૨
યુક્રેન પર રશિયન આક્રમણના કારણે લાખો લોકો યુક્રેન છોડીને પાડોશી દેશો તરફ જઈ રહ્યા છે. અહીંયા રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ યુક્રેન છોડીને અન્ય દેશોમાં જઈ રહ્યા છે.જોકે આ મુશ્કેલ સમયમાં વિદ્યાર્થીઓને ભારતનો તિરંગો કામ આવી રહ્યો છે.ગર્વ થાય તેવી વાત એ છે કે, તિરંગાએ માત્ર ભારતીય જ નહીં પણ પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓને પણ બચાવવાનુ કામ કર્યુ છે. યુક્રેનથી રોમાનિયા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, તિરંગાના કારણે અમે ચેક પોસ્ટ પણ આસાનીથી પસાર કરી શખ્યા હતા.તેના કારણે પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓ માટે પણ રસ્તો આસાન થઈ ગયો હતો. યુક્રેનમાં ફસાયેલા લોકોને પાછા લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે ત્યારે એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, અમે જ્યારે યુક્રેનમાં હતા ત્યારે અમને કહેવામાં આવ્યુ હતુ કે, ભારતીય હોવાથી અને ભારતીય ફ્લેગ હોવાથી અમને કોઈ પરેશાન નહીં થાય.એટલે અમે બજારમાંથી કાપડ અને પેઈન્ટ કરવા માટે સ્પ્રે લઈ આવ્યા હતા.એક પડદો પણ લીધો હતો અને તેના પર ભારતનો તિરંગો પેઈન્ટ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, કેટલાક પાકિસ્તાની અને તુર્કીશ વિદ્યાર્થીઓ પણ તિરંગા સાથે ચેકપોસ્ટ પાર કરી ગયા હતા.તેમના હાથમાં તિરંગો હતો અને આપણા ધ્વજે તેમને પણ મદદ કરી હતી. એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, અમે યુક્રેનના ઓડેસાથી બસ બૂક કરીને મોલ્ડોવા બોર્ડર પહોંચ્યા હતા.ત્યાંના લોકો ઘણા સારા છે અને તેમણે અમને મફત રહેવા માટે પણ જગ્યા પૂરી પાડી હતી.તેમણે અમને રોમાનિયા પહોંચાડવા માટે બસ અને ટેક્સી પણ કરી આપી હતી. વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, ભારતીય દૂતાવાસે પણ રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે.