વિકાસ કામોને વેગ મળશે : શહેરના જુના બંદર અને નવા બંદર સુધીનો આ રિંગ રોડ બનશે
રાજ્યનું આજે વર્ષ ૨૦૨૨નું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું હતું. ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે ભાવનગરમાં ૨૧.૬૦ કિલોમીટરનો શહેરને જોડતો રિંગરોડ બનવવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી. ૨૯૭ કરોડના ખર્ચે આ રિંગરોડ નિર્માણ પામશે. ભાવનગરના રીંગ રોડ ફેઝ ૨નું કામ પૂર્ણતાના આરે છે. જે તે સમયે આ રીંગ રોડનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈપણ વિકાસ કાર્ય થઈ શક્યા નથી. જોકે, કોરોના હળવો પડતા રિંગરોડ વેગવાન બનશે. ત્યારે હવે આ રિંગ રોડ રવેચી મંદિરથી જુના બંદર અને નવા બંદર સુધીનો બનાવવામાં આવશે. જે માટે ૨૯૭ કરોડની ફાળવણી સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવી છે. ભાવનગરમાં નેતાઓ માત્ર ચૂંટણી આવે ત્યારે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતી હોવાનો આક્ષેપ મનપાના પૂર્વ વિપક્ષના નેતા જાયદીપસિંહ ગોહિલે લગાવ્યા છે. ત્યારે જનતાને તો ધૂળ ખાવી નક્કી હોય તેમ આ રીંગ રોડ આવાનારા સમયમાં ક્યારે બનશે તે એક પ્રશ્ન છે. ભાવનગર શહેરના બુધેલથી સીદસર તેમજ હિલપાર્કથી આધેવાડા રુવાથી આગળ જતો ૭૫૦ મીટરનો રીંગ રોડ માટે રૂપિયા ૧૦ કરોડનો વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો. તેમજ આ રીંગ રોડનું ખાતમુહુર્ત પણ થોડાક સમય પૂર્વે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ કર્યુ હતું. જોકે, હવે આ રિંગ રોડ જુના બંદર અને નવા બંદર સુધીનો બનાવવામાં આવશે. ભાવનગર શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રીંગરોડને કારણે રાજ્યો વચ્ચે કનેક્ટિવિટી વેગ મળશે. લોકોને રોજગારીની તકો ઉત્પન થશે, ગુજરાત સરકાર દ્વારા ભાવનગરના વિકાસ અર્થે જે ૨૧ કિલોમીટર લાંબો રિંગરોડ બનાવવાની જાહેરાત કરી છે જેને લઈ સરકારનો આભાર માન્ય છીએ. આજે જે બજેટ રજૂ થયું તે પણ આવકાર્ય છે.