ભાવનગરના નાગરીકોને ફક્ત અંગુઠો બતાવવામાં આવ્યો છે, વિકાસની કોઈ વાત નથી
ગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રી કનુભાઇ પટેલે જે બજેટ રજુ કર્યુ છે તેને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આ બજેટને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે, ભાજપ સરકારની વિદાય લેતુ આ ફક્ત ચુંટણી લક્ષી બજેટ છે. શબ્દોની અને આંકડાની માયાજાળ છે. ફક્ત શબ્દો સમાન જુઠ્ઠાણુ ફેલાવતુ આ બજેટ છે. સરકાર દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે પરંતુ તે અમલીકરણ શુન્ય છે. આ બજેટમાં ખેડુતો માટે કોઇ નક્કર જાહેરાત નથી. ખેડુતોની આવક વધે ખર્ચ ઘટે તેવી કોઇ જાહેરાત નથી. શિક્ષણ સસ્તુ મળી રહે તેવી કોઇ જાહેરાત નથી. લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટેની કોઇ મોટી જાહેરાત નથી. કોરોના કાળ દરમ્યાન લોકો હેરાન પરેશાન થયા હતા તે સૌ જાળે છે. રોજગારી વધે તે માટેની કોઇ જાહેરાત નથી.
ભાવનગર શહેર જીલ્લાના વિકાસની પણ કોઇ વાત નથી. જીલ્લા માં જે અલંગ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, પ્લાસ્ટીક ઉદ્યોગ, કાપડ ઉદ્યોગના વિકાસની વાત થવી જોઇએ તે કોઇ વાત નથી. ઉપરાંત રાજ્યના બંદરોના વિકાસના બજેટમાં વાત છે તેમાં પણ ભાવનગર બંદરની બાદબાકી થઇ છે. ફક્ત જુના નવા બંદર આગળ સીક્સલેન્ડ બનાવવાની ગુલબાંગો છે. પાણીની યોજનાઓ માટેની ફક્ત ગુલબાંગો છે તેનો અમલ થવાનો નથી. ભાવનગરના નાગરીકોને આ બજેટમાં કશુ મળ્યુ નથી. સરકાર દ્વારા અંગુઠો બતાવાયો છે. હાલમાં જે ગરીબી બેકારી મોંઘવારી વધી રહી છે તેને કાબુમાં લેવાની કોઇ વાત નથી. ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફળ નિવડી છે. સરકાર ઉપર આર્થિક બોજો અને લેણુ વધતુ જાય છે. તેની સીધી અસર નાગરીકો ઉપર પડી રહી છે. સરકાર કોરોના જેવી મહામારીને કાબુમાં લેવા પણ નિષ્ફળ નિવડી છે. હાલમાં સરકાર કોરોનાના ‘‘ક’’ થી પણ ડરી રહી છે. જે માટે આવનારા દિવસોમાં અને ચુંટણીમાં પડધા પડશે. ભાજપ સરકારની વિદાય નિશ્ચીત છે તેમ કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી અને પ્રવક્તા કાળુભાઇ બેલીમે સંયુક્ત નિવેદનમાં જણાવી આ બજેટને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતુ.