પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ૧૪૦૦ જોડ કપડાંનું બાળકોને વિતરણ
ભારતીય શાસ્ત્રોમાં અન્નદાન સાથે વસ્ત્ર દાનનો પણ અનોખો મહિમા ગવાયો છે ત્યારે તેને સાર્થક કરતાં પાલિતાનામાં વસ્ત્ર દાન સાથે વ્યસનમુક્તિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.સમકિત યુવક મંડળ, બોરીવલી દ્વારા પાલિતાણામાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. તે અંતર્ગત પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં આજરોજ ૧૪૦૦ જોડ કપડાંનું બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે બાળકોમાં વ્યસન મુક્તિના સંસ્કારો કેળવાય તે માટે વ્યસન મુક્તિ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ યુવા ગ્રૂપ દ્વારા વ્યસન મુક્તિ સાથે માનવ કલ્યાણ અને જીવ દયાનાં વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. અહિંસાની પાવન નગરી એવી પાલીતાણામાં શ્રી સમકિત યુવક મંડળ પાલીતાણાના વિવિધ સ્થળો ઉપર વસ્ત્ર દાન કરી અને જરૂરિયાત મંદ લોકોને મદદ માટે અનોખું કાર્ય કરી રહ્યું છે. પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના ઉત્સાહી શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આ માટે તમામ સહયોગ અને મદદ પૂરી પાડવામાં આવી હતી.