લારી બે પૈડાથી ચલાવવાનો સમય પાકી ગયો છે!!

75

આપણા દેશમાં એક જ બાબતની ચિકકાર હરીફાઈ છે. સૌને જે નથી તે થવાની ચળ -ખંજવાળ છે. તમે મારું સાચું માનશો ? મને ખબર છે કે તમે મારું માનશો નહીં! મને અવગણશો!! કેમ કે ઘરમાં પણ મારી અવગણના થાય છે, પછી તમારો શો વાંક કાઢવો? કોઇ પણ વ્યકિતને ધનવાન થવાની મહેચ્છા કે મનોકામના નથી. દરેકે દરેકને યેનકેન પ્રકારેણ ગરીબ થી ગરીબતમ પ્રગાઢ ગરીબ થવાની ગરીબૌષેણા છે!! આ બધું મેકસિકો સરહદોથી અમેરિકામાં ઘૂસવા માટે કબુતરબાજીની પ્રક્રિયા જેવું છે.
તમે મર્સિડીઝના માલિક હોવા છતાં તમારી વાર્ષિક આવક ગ્રામ મુખ્ય સચિવ મહાશય ( અરે, ના સમજયા ? આપણો તલાટી!!)
ની કૃપાદ્રષ્ટિથી રૂપિયા છ હજાર થઇ શકે છે! તમને બીપીએલ કાર્ડ મળે અને ગરીબોનું અનાજ પણ મળે. કોઇની દેન છે કે તમને અમીરીરેખાએ લઇ જાય. બીપીએલ કાર્ડની બદૌલત તમારા સંતાનો આરટીઇ હેઠળ સારી શાળાઓમાં પ્રવેશ મેળવી શકે છે!! જાદુગર કે. લાલની જેમ જ હાથની કરામત છે!! મારી વાત ખોટી લાગતી હોય તો આરટીઇના એડમિશન પછી શંકાસ્પદ પ્રવેશ બાબતે થયેલ ફરિયાદો જોઇ લેવી.
સમાજમાં થોડાક મનચલા કે ઘનચક્કર શ્રીમંતોના લિસ્ટમાં આવવા મહેનત કરતા હોય છે. ફોબર્સ કે ફોર્ચયુન કે આવાતેવા લિસ્ટમાં આવવા આખી જીંદગીની વાટ લગાડી દે છે. અનિલ અંબાણી જેવા વધારે દેવાદાર બનવા ઉચ્ચ કક્ષાની જાગ્રૃતિ રાખી પૂરી કર્તવ્યનિષ્ઠ કોઠાસૂઝથી મોટા દેવાદાર બની અન્ય માટે પ્રેરણાસ્ત્રોત કે પિયુષ બને છે.
ગરીબના બે પ્રકાર છે. ખરેખર ગરીબ અને સરકારી ચોપડે ગરીબ( ખરેખર તે ગરીબતેતર હોય છે.)આમ, તો પારબ્ધથી ગરીબ અને પુરૂષાર્થથી ગરીબ.પહેલા પ્રકારમાં ખાસ સુધારણાને અવકાશ નથી અને બીજા પ્રકારમાં સુધારણાનો અર્થ નથી.
કેમ કે, મફતમાં માત્ર ડુંગળીનું ફોતરું મળે તો ગરીબ થવા માટે પડાપડી થાય છે.
ગરીબોની મેન્ટાલિટી તપાસો તો ખબર પડે કે આખું કોળું શાકમાં જાય છે. ગરીબ ઝૂંપડામાં રહેતો હોય. સરકાર માઇબાપને દયા આવે. અને સુવિધાયુકત આવાસનું આબંટન કરે. વરસ ન થાય ત્યાં પાછો ઝૂંપડાંમાં આવી જાય. એને પૂછીએ કે તને આપેલ મકાનમાં કેમ રહેતો નથી? નવાણુ ટકા તેનો જવાબ હોય કે મકાન ભાડે આપ્યું કે વેચી નાંખ્યું!! એકવાર ઝૂંપડાના બદલામાં મકાન મળ્યું બીજીવાર મળશે!! આ તેની ઋુગ્ણ માનસિકતા. તેને ટ્રેકટર, રીક્ષા કે હાથલારી,દુકાન આપી હોય. બીજી બાજુ તેણે મક્કમ નિર્ધાર કર્યો હોય કે દેહ પડી જાય તો પડી જાય પણ મારે સાત ભવ ગરીબ રહેવું છે.આમને તમે કેમ કરીને ગરીબીરેખાની ઉપર લાવી શકો!!
આપણે ત્યાં નિર્વિવાદપણે ૨૪ ગુણ્યા ૭ ગુણ્યા ૩૬૫ અમીર કલ્યાણ યજ્ઞ ચાલે છે. ઇચ્છાનુસાર ગરીબ કલ્યાણ મેળા યોજાય છે. પણ બાપડા બિચારા મૂંગામંતર ગધેડા જેવા મધ્યમ વર્ગ માટે મધ્યમ કલ્યાણ મેળા યોજતા નથી.હમણા તંત્રે સફાળા જાગી મેળા યોજ્યા. ગરીબોને સાધનસહાયની ખેરાત થઇ. તેનો જયજયકાર કરવાના બદલે વાંકદેખા, અદેખા, અષ્ટાવક્ર ગરીબો વાંક કાઢે છે. સાધનો તકલાદી છે, કવર ખાલી છે, ચેક જૂની તારીખનો છે. કેશકર્તન કલાકારને અસ્ત્રો કે રેઝરને બદલે તલવાર આપેલ છે તેવી ફરિયાદ કરે. રાઇનો પહાડ કરે. રજનું ગંજ કરે!! હમણા એક લાભાર્થીને સાધનસહાય તરીકે હાથલારી આપી. કશીક ગફલત થઇ હશે કે શું? એ તો તંત્ર જાણે!! હાથલારીમાં ચાર પૈડાના બદલે બે પૈડા આપ્યા. માનો આભ તૂટી પડ્યું તેવી કાગારોળ કરી. કંઇ ફરિયાદ હોય તો તંત્રને કરગરવાનું હોય? છાપામાં છપાવો તો છાપાવાળા ખૂટતા બે પૈડા આપશે? જો એમ હોય તો છાપાનાળા પાસેથી ખૂટતા પૈડાં લઇ આવો? શક્ય છે કે ટેન્ડર બે પૈડાની લારીનું પડ્યું હોય. સાહેબોને લારી થોડી ચલાવવાની છે કે લારીમાં કેટલા પૈડા હોય તેની ખબર પડે.ચાર પૈડાની લારીનો ઓર્ડર આપ્યો હોય પણ કોસ્ટ કટિંગના ભાગરૂપે પેઢીએ બે પૈડાં રદ કર્યા હોય કે ગફલતમાં પૈકીંગમાં બે પૈડાં પેક કરવાનું રહી ગયું હોય. જો ખૂટતા બે પૈડાં આપવાપાત્ર હશે તો અનુકૂળતાએ મેળો યોજી બે પૈડાં દૂધે ધોઇને બાપના બોલથી આપી દઇશું!! ગરીબોને સ્વનિર્ભર કરવાની યોજનામાં કયાંકથી તો શરૂઆત કરવી પડશે કે નહીં? માણસ બે પગે ચાલે છે તો હાથલારીને બે પૈડે ચાલવાનાં કાંટા વાગે છે! વિચારો કે બિનજરૂરી બે પૈડા કાઢી નાંખો તો લારી ચલાવનારની સહુલિયત વધી જશે!! આમ, લાખોની સંખ્યામાં બિનજરૂરી બે? પૈડા અન્યત્ર લગાવવાથી અર્થતંત્ર બુલેટ ટ્રેનની સ્પીડે ચાલશે. આપણે બીજું શું જોઇએ?આ તો આફતને અવસરમાં પલટાવવાનો મહાઅવસર છે!!
– ભરત વૈષ્ણવ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરશિયાએ યુક્રેનમાં આશિંક યુદ્ધ વિરામની કરી જાહેરાત