ઈન્ટર્નશીપ અધૂરી રહી હોય તે છાત્રો માટે સારા સમાચાર : યુક્રેનથી આવેલા મેડિકલના ભારતીય વિદ્યાર્થીઓને લાભ
નવી દિલ્હી, તા.૫
મહામારી અને યુદ્ધની પરિસ્થિતિને કારણે વિદેશમાં જે મેડિકલ ગ્રેજ્યુએટ્સની ઈન્ટર્નશીપ અધૂરી રહી ગઈ હોય તેઓ તેને ભારતમાં પૂરી કરી શકે છે. જોકે, આ માટે વિદ્યાર્થીઓએ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન એટલે કે એક સ્ક્રીનિંગ ટેસ્ટ પોતાની અરજી આપતાં પહેલા પાસ કરવી પડશે, તેમ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ શુક્રવારે જણાવ્યું. આ નિર્ણયથી યુક્રેનથી આવેલા મેડિકલના ઘણાં ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જેમનું એમબીબીએસ પૂરું થવામાં હતું પરંતુ યુદ્ધના લીધે તેમને અધૂરું રાખીને ભારત પરત આવવું પડ્યું. એનએમસીની આ જાહેરાતથી આ વિદ્યાર્થીને ફાયદો થઈ શકે છે.ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (આઈએમએ)એ કેંદ્ર સરકારને વિનંતી કરી હતી કે, વન-ટાઈમ બેઝ પર યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને અહીંની મેડિકલ કોલેજોમાં જગ્યા આપવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને લખેલા પત્રમાં ઈન્ડિયન મેડિકલ અસોસિએશને એમબીબીએસના વિદ્યાર્થીઓની ’કમનસીબી અને તેમના ભવિષ્ય’ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્ડિયન મેડિકલ અસોસિએશને પીએમ મોદીને લખેલા પત્રમાં જણાવ્યું કે, “યુક્રેનમાં અણધારી સ્થિતિ પેદા થતાં વિદ્યાર્થીઓને તે દેશ છોડવાની ફરજ પડી હતી. મોટી સંખ્યામાં મેડિકલ સ્ટુડન્ટ્સ છે જેમને ઊભી થયેલી પરિસ્થિતિના લીધે અભ્યાસ છોડવો પડ્યો અને તેઓ યુક્રેન છોડીને ભારત આવી ગયા છે. ત્યાંની વિવિધ મેડિકલ કોલેજોમાં તેમણે એડમિશન લીધું હતું અને તેઓ અભ્યાસક્રમના અલગ અલગ તબક્કામાં હતા અને હવે તેમનું ભવિષ્ય અસ્પષ્ટ અને અદ્ધરતાલ છે. યુક્રેનમાં આ સ્થિતિ કેટલો સમય ચાલશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, વિદેશી યુનિવર્સિટીઓમાં મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્ક્રીનિંગ ટેસ્ટ પાસ કરવી પડે છે. આ ટેસ્ટમાં પાસ થઈ જાય તો તેઓ ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સની સમકક્ષ ગણાય છે અને ભારતમાં આગળ પ્રેક્ટિસ કરી શકે છે અને મેડિકલ ડૉક્ટર તરીકે નોકરી પણ કરી શકે છે.