પેકેટ બંધ ભોજન ઉપર હેલ્થ સ્ટાર રેટિંગ આપવામાં આવશે

65

ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં રેટિંગનું ખાસ મહત્વ : એફએસએસએઆઈ ખાંડ, મીઠુ અને ફેટને ધ્યાનમાં રાખીને પણ પેક્ડ ફુડ પર રેટિંગ આપવાનું કામ કરશે
નવી દિલ્હી, તા.૫
બજારવાદના આ સમયમાં અનેક મોટી કંપનીઓ પોતાની પ્રોડક્ટ્‌સ વેચવા માટે સમયે સમયે આકર્ષક ઓફર્સ અને ડિસ્કાઉન્ટ લઈને આવે છે. એટલું જ નહીં, પોતાની રચનાત્મકતા અને માર્કેટિંગ સ્ટ્રેટેજીની મદદથી આ કંપનીઓ પોતાની પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર કરતી રહે છે. બીજી બાજુ આજના સમયે ગ્રાહકો પણ ખૂબ સમજદાર બની ગયા છે. આપણે સૌ એસી, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ ખરીદતી વખતે તેમના પર છપાયેલા સ્ટાર રેટિંગ જરૂરથી ચેક કરીએ છીએ. સ્ટાર રેટિંગ દ્વારા આપણને વસ્તુની ગુણવત્તા અંગે ખબર પડે છે. અત્યાર સુધી ફક્ત ઈલેક્ટ્રિક ઉપકરણોની ઉપર જ સ્ટાર રેટિંગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે પેકેટમાં બંધ ભોજન સામગ્રી પર પણ સ્ટાર રેટિંગ જોવા મળશે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઈન્ડિયા (એફએસએસએઆઈ) પેકેટ બંધ ભોજન પર હેલ્થ સ્ટાર રેટિંગ આપશે અને આ માટે લેબલિંગની તૈયારી ચાલી રહી છે. જે રીતે બ્યુરો ઓફ એનર્જી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને રેટિંગ આપે છે તેવી જ રીતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઈન્ડિયા પણ પેક્ડ ફુડ પર રેટિંગ આપવાનું કામ કરશે. ભોજન સામગ્રીઓમાં ખાંડ, મીઠું અને ફેટના પ્રમાણના આધાર પર આ રેટિંગ આપવામાં આવશે. પેકેજ્ડ ફુડના સામેના ઉપરના હિસ્સામાં જ આ રેટિંગ છપાશે. ઉલ્લેખનીય છે કે, પેકેજ્ડ ફુડ નોન-કમ્યુનિકેબલ બીમારીઓનું મોટું મૂળ છે. તેના સેવનથી મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. તેના કારણે જ ભારતની વસ્તીનો મોટો ભાગ ફેટ અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. જોકે રેટિંગવાળા પેકેજ્ડ ફુડમાં દૂધ કે ડેરી પ્રોડક્ટ્‌સને સામેલ નહીં કરવામાં આવે. ભારતમાં પેકેજ્ડ ફુડનું ૩૫થી ૪૦ અબજ ડોલરનું વિશાળ માર્કેટ છે. તેવામાં હેલ્થ સ્ટાર રેટિંગની સુવિધા આવવાથી ગ્રાહકોને ખૂબ ફાયદો થશે.

Previous articleવિદેશથી આવેલા છાત્રો ભારતમાં તેમની ઈન્ટર્નશીપ પૂરી કરી શકશે
Next articleઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ ભાવનગરની બજારોમાં મિઠી મધુરી દ્રાક્ષનું ધોમ વેચાણ શરૂ