બખડજંતર ચેનલમાંથી આદેશ છૂટ્યો કે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતેના કોલકી ખાતે જઇને એકસકલુઝિવ રીપોર્ટિંગ કરી લાવો.નોકરી એટલે નોકરી. દો ટકિયોકી નોકરીમેં લાખો કા સાવન જાયે મતલબની ફરિયાદ એક હીરોઇને ગીત મારફત કરી છે. ?કોઇ સુનવાઇ થઇ નથી કે એફઆઇઆર ફાટી નથી કે જાણવાજોગ પણ નોંધાઇ નથી.વડી અદાલતમાં સાવનને જીવતો કે મરેલો હાજર કરવા હેબિયર્સ કોપર્સ થયેલ નથી.!!!
હું એટલે ગિરધર ગરબડીયા અને કેમેરામેન રાજુ રદી સાથે કોલકી પહોંચ્યા.કોઇ લગ્નની વાડીનાં મંડપ બાંધેલો હતો.( મંડપ ભાગી જતો હશે કે તેને બાંધવો પડે. સાંકળ ક્યાંય દેખાતી ન હતી.) મંડપની છેક ઉપર “ વૈશાખીનંદન પરિવાર આવકારે છે એવું લખેલું કલોથબેનર હતું તેની બંને બાજુ નજર કરી કે આંખો ફાટી ગઇ. ગદર્ભ ખાનદાનનો ફોટો હતો!!!
પ્રવેશદ્વારે બે કુમળા ખોલકા ગુલાબી સાફો અને સુટ પહેરી બે પગ જોડી સ્વાગતની મુદ્રામાં હોંચી હોંચી કરીને વેલકમ કરતા હતા. એકશન રીએકશન ફોર્મુલા મુજબ અમે હોંચી હોંચી કહી અભિવાદનનો સ્વીકાર કર્યો!!
અમને સમારંભ સ્થળે એક ગ્લાસ પકડાવી દેવાયો. અમે ગ્લાસ મોંઢે માંડ્યો. દૂધ જેવું ઘટ પ્રવાહી હતું. થોડુંક બેસ્વાદ હતું આયોજનો કહ્યું ,” કેવું લાગ્યું?”
“ કંઇક ડિફરન્ટ લાગ્યું.” અમારો પ્રતિભાવ.
“ હાલારી પ્રજાતિની ગદર્ભીનું દૂધ હતું”તેમણે કહ્યું.
“ શું ?શું ??” એમ કરતા મોંમાંથી દૂધનો ફુવારો છૂટ્યો.
આની કિંમત શું માનો છો?” આયોજનો પૂછયું.
“ દૂધ પચાસ- સાંઠ રૂપિયે લિટર વહેંચાય છે. આની કિંમત વધુમાં વધુ સો રૂપરડી હશે!” અમે જવાબ આપ્યો.
“ પત્રકાર મહાશય કંઇ દુનિયામાં વસો છો?? જામનગરના હાલાર પંથકમાં પહેલીવાર હાલારી ગધેડીનુ એક લિટર દૂધ રૂા.૭ હજારની કિંમતે વેચાયુ છે. ગધેડીનુ દૂધ આટલી ઉંચી કિમતે વેચાયુ હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના બની છે. હાલમાં ગ્લોબલ માર્કેટમાં રૂ. ૭૦૦૦-૮૦૦૦ કિલોના ભાવે પાઉડર મળે છે. “આયોજકે જવાબ આપ્યો.
“ તેનું કારણ શું?” અમે પૂછયું.
“હાલારી ગધેડીના દૂધમાં માતા (સ્ત્રી)ના દૂધમાં જે પોષક તત્ત્વો છે એવા જ હોય છે.
બકરી, ઊંટડી, ભેંસના દૂધ કરતાં પણ એની ગુણવત્તા વધુ સારી છે. એમાં ફેટનું પ્રમાણ નહિવત છે.વધતી ઉંમરની નકારાત્મક અસરો રોકતાં એન્ટી-ઓક્સિડન્ટની માત્રા ગધેડીના દૂધમાં વધારે છે, જે અનેક રોગો સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે. શરીરના ઘસારા સંબંધિત રોગોમાં પણ એ ઘણું ફાયદાકારક છે.બાળકોની પાચનશક્તિ સુધારવા માટે આ દૂધ ઘણું લાભકારી સાબિત થઇ શકે છે.
ચામડીને મુલાયમ બનાવે છે અને સ્કિનની બીમારીઓથી બચાવે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શરીરના ઘસારા સંબંધિત રોગોમાં પણ એ ઘણું ફાયદાકારક છે બાળકોની પાચનશક્તિ સુધારવા માટે આ દૂધ ઘણું લાભકારી સાબિત થઇ શકે છે.ચામડીને મુલાયમ બનાવે છે અને સ્કિનની બીમારીઓથી બચાવે છે .રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.જોકે ગધેડી એક-બે લીટર જ દૂધ આપે છે. બાળકને એક ચમચી દૂધ પીવડાવવા પ૦-સો રૂપિયા ખર્ચવા પડે છે.”આયોજકે કહ્યું.
“ આની વસ્તી કેટલી છે?” રાજુએ પરિજનોની વસ્તી જાણવા સવાલ પૂછ્યો.
“હાલારી ગધેડા ભારતમાં હયાત પ્રજાતિઓમાં બીજા નંબરની સૌથી શ્રેષ્ઠ છેઅત્યારે માત્ર ૧૫૭૨ જેટલાં પશુઓ જ છે. દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં આ ગધેડા છે, કેમ કે તેનું મૂળ બ્રીડ ત્યાંનું છે. હાલારી ગધેડાની વસતિમાં ઘટાડો થઇ રહ્યો છે,જે નામશેષ થવાના આરે છે.” આયોજકે જવાબ આપ્યો.
“ આ ગધેડાની કિંમત કેટલી છે?”અમે પૂછયું.
“સૌરાષ્ટ્રમાં રબારી કે માલધારી કોમ્યુનિટી હાલારી ગધેડાનો ઉછેર કરે છે. માલની હેરફેર કરવા તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનો ઉપયોગ થાય છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામમાં ગધેડાની લે-વેચ માટે દર વર્ષે મેળો ભરાય છે. તેમાં દેશભરના વિવિધ પ્રજાતિના ગધેડાનું ખરીદ-વેચાણ થાય છે. આ મેળામાં સૌથી ઊંચી બોલી હાલારી ગધેડાની હોય છે, જે રૂ.૨૫,૦૦૦- ૩૦,૦૦૦ના ભાવે વેચાય છે.” આયોજકે કહ્યું.
મનુષ્ય પરિવારમાં આવનારા નવા બાળકને વધાવવા ગર્ભ ધારણ કરનારી ભાવિ માતાનું ગર્ભસીમંત સંસ્કાર (ગોદ ભરાઈ ની પવિત્ર વિધિ કરે છે પરંતુ શું કદી સાંભળ્યું છે કે ગધેડીની ગોદભરાઈ (સીમંત) પણ કરવામાં આવી હોય. પરિવારમાં આંગતુક બાળકને સત્કારવા ગર્ભવતી બહેનની ગોદભરાઈ સંસ્કાર કરવામાં આવે તે રીતે હાલારી ગધેડાને બચાવવા માટે ગર્ભવતી હાલારી ગધેડીની ગોદભરાઈ ગર્ભ સીમંત સંસ્કારની વિધિ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કરાઇ હતી. ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ વિધિ કરવામાં આવી હોય તેવી ભારત દેશની કદાચ આ સૌપ્રથમ ઘટના બની હતી. બહેનોએ ગર્ભવતી ગધેડીને શણગાર કરી, પૂજાવિધિ કરી, વિધિવત રીતે પોંખી ને ગોદભરાઈ વિધિ કરી હતી. અને ૩૩ ગધેડીને ખાણ-દાણ સહિત પોષક તત્વોયુક્ત આહાર સાથેની કિટ અપાઇ હતી.
તમામ સગર્ભા વૈશાખીનંદન વનિતાઓ ખરેખર પરી જેવી લાગતી હતી. દયારામે કહ્યું હતું કે પ્રેમમાં ગધેડી પણ પરી લાગે છે!!!!બધી ગર્ભવતીઓને સો સો રૂપિયા આપી વિદાય લીધી.“ ગિરધરભાઇ.તમને બખડજંતર ચેનલવાળા તમને શું પગાર આપે છે?” રાજુ રદીએ પૂછયું.
“ મહીને વીસ હજાર રૂપિયા.”મેં જવાબ આપ્યો.
“લો. ત્રીસ વરસથી નોકરો કૂટો છો. નોકરી છોડીને પાંચ હાલારી ગધેડી લઇ લો. તમામ ગધેડી પાંચ લિટર દૂધ આપશે.રોજના પાંત્રીસ હજાર લેખે મહીને સાડા દસ લાખ અને વરસે કરોડ કરતાં વધુ કમાણી થશે!!”
હું રાજુ સામે મોં લબડાવી ઉભો રહ્યો!!”
– ભરત વૈષ્ણવ