દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૮ લોકોના મૃત્યુ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ૧૩ હજાર ૪૫૦ લોકો સાજા થયા છે
નવી દિલ્હી, તા.૬
દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫ હજાર ૪૭૯ કેસ સામે આવ્યા છે અને ૧૫૮ લોકોના મૃત્યુ થયા છે. શનિવારે ૫ હજાર ૯૨૧ કેસ સામે આવ્યા હતા અને ૨૮૯ લોકોના મૃત્યુ થયા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસ ઘટ્યા છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં ૧૩ હજાર ૪૫૦ લોકો સાજા થયા છે, ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૫૯ હજાર ૪૪૩ થઈ ગઈ છે. તો આ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૫ લાખ ૧૫ હજાર ૩૬ થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી ૪ કરોડ ૨૩ લાખ ૮૮ હજાર ૪૭૫ લોકો સંક્રમણ મુક્ત થયા છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શનિવારે કોરોનાના ૨૭૪ નવા કેસ સામે આવ્યા, જ્યારે સંક્રમણ દર ૦.૫૮ ટકા રહ્યો. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં મૃત્યુ આંક ૨૬૧૩૪ પર સ્થિર છે. દિલ્હીમાં કોવિડ-૧૯ના ૨૭૪ કેસ સામે આવ્યા બાદ અહીં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૮,૬૧,૪૬૩ થઈ ગઈ. બુલેટિનમાં કહેવામાં આવ્યું કે, એક દિવસ પહેલા કોવિડના ૪૭૬૫૨ સેમ્પલની તપાસ કરવામાં આવી. દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓ માટે ૧૦૭૪૭ બેડ છે અને તેમાં ૧૨૦ દર્દી દાખલ છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસની રસીના આશરે ૧૭૮ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે ૨૬ લાખ ૧૯ હજાર ૭૭૮ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના ૧૭૮ કરોડ ૮૩ લાખ ૭૯ હજાર ૨૪૯ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના બીમારી ગ્રસ્ત લોકોને ૨ કરોડથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.