ટેક્સ પણ ફાસ્ટેગ સિસ્ટમ થી નહીં કેશ ભરવાના હોવાથી ટોલનાકા પર બે દિવસથી ટોલ કર્મીઓ-વાહન ચાલકો વચ્ચે લમણાંજીક
ભાવનગર-ગીરસોમનાથ નેશનલ હાઈવે નં-૮/ઈ પર અધૂરાં કામ સાથે ટોલટેક્ષ ની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે એજ રીતે ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર હાઈવે નવીનીકરણનું કામ ગોકુળ ગતિએ ચાલી રહ્યું હોય અને રસ્તાના ઠેકાણાં ન હોવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા ટોલટેક્ષ ની વસુલાત શરૂ કરી દેતાં લોકો માં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાવનગર-ગીરસોમનાથ નેશનલ હાઈવે નં-૮/ઈ ના નવીનીકરણ નું કામ છેલ્લા ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે ભાવનગર જિલ્લા ના મહુવા-તળાજા તાલુકામાં કેટલાક પટ્ટામાં હજું નવનિર્માણ ની કોઈ કામગીરી થઈ જ ન હોય છતાં આ હાઈવે પર કોબડી ગામ નજીક છેલ્લા દોઢ વર્ષથી ટોલનાકા કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને વાહન ચાલકો પાસેથી ટોલ વસુલવામાં આવી રહ્યો છે જેનો થોડા સમય સુધી જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલમાં પણ આ ટોલપ્લાઝા પર દરરોજ નાનીમોટી માથાકૂટ જાણે રોજિંદો ક્રમ બન્યો હોય તેમ શરૂ જ છે આ વિવાદ નો અંત આવ્યો નથી ત્યાં ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર માઢીયા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા ચુપચાપ રાતોરાત ટોલટેક્ષ કાર્યરત કરી ટોલ વસુલવાનુ શરૂ કરી દેતાં ફરી એકવાર વિરોધ નો મધપૂડો છંછેડાયો છે આ હાઈવે નું પણ નવીનીકરણ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ખરાબ રસ્તા સાથે તંત્ર દ્વારા કરાઈ રહેલ રોડ નવીનીકરણ નું કામ વાહન ચાલકો માટે માથાનાં દુઃખાવા સમાન છે જ ભાવનગર થી પીપળી સુધી નો માર્ગ અત્યંત ભંગાર હાલતમાં છે અને રોડ નવનિર્માણ નું કામ પણ તદ્દન મંદ ગતિ એ ચાલી રહ્યું છે આ રોડ નવનિર્માણ ના કુલ કામ પૈકી ૩૦ ટકા કામ પણ પૂર્ણ થયું ન હોવા છતાં અને લોકો ને કોઈ આગોતરી જાણ કર્યાં વિના ટોલપ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે જેના પ્રથમ દિવસથી જ વિરોધ શરૂ થઈ ગયો છે પરંતુ પ્રજા-વાહન ચાલકોની “રગ પારખું” તંત્ર સરકાર લોકો ને સારી રીતે “કળી” ગયાં છે કે ભાવનગર માં થોડા દિવસ આવો વિરોધ થાય જ છે પછી પ્રજાને આપોઆપ આ બાબત “કોઠે” પડી જશે અને આપડો ધંધો ધીકતો ધંધો શરૂ થઈ જશે ! વાહન ચાલકોને પુરતી રોડ-રસ્તાની યોગ્યતમ સવલતો ન મળતી હોવા છતાં અને આ રીતે ટોલ ના નામે કાવડીયા ખંખેરવાનુ બિલકુલ વ્યાજબી ન હોવાનું સારી પેઠે જાણતા હોવા છતાં મીંઢા અને ખંધા રાજકીય નેતાઓ સમગ્ર મુદ્દે આંખ મિચામણી કરી રહ્યાં છે અને પ્રજાનો પક્ષ લઈ છેલ્લા ત્રણ દિવસમાં એક પણ નેતા એ આ વાત નો વિરોધ તો કર્યો જ નથી પરંતુ સમગ્ર મુદ્દે પોતે કશું જાણતા જ ન હોય એ રીતે તમાશો નિહાળી રહ્યાં છે !
પુરતી વ્યવસ્થા અને કામ પૂર્ણ થયે ટેક્સ વસુલો : વાહન ધારકો
રાજ્ય ભરમાં આવેલ ટોલપ્લાઝા ઓમાં ફાસ્ટેગ પ્રથા સરકારે અમલમાં મૂકી છે જેમાં વાહન ચાલકો ને આપવામાં આવેલ ફાસ્ટેગ કાર્ડ થી ટોલ ની રકમ જેતે વાહન ચાલકોના બેંક એકાઉન્ટ માથી કપાઈ જાય છે અને રોકડ નાણાં ચુકવવાની ઝંઝટ માથી મુક્તિ મળે છે પરંતુ ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર માઢીયા ગામ નજીક શરૂ કરવામાં આવેલ ટોલપ્લાઝા પર હાલમાં ફાસ્ટેગ સિસ્ટમ અપગ્રેડ કરવામાં નથી આવી પરીણામે વાહન ચાલકો પાસેથી ટોલટેક્ષ ના નામે રોકડા રૂપિયા વસુલવામાં આવી રહ્યાં છે હવે નિયમ મુજબ જો ફાસ્ટેગ મારફતે ટોલ ભરવામાં આવે તો વાહન ચાલકને ખાસ્સી એવી રાહત મળે છે પરંતુ રોકડ નાણાં ચુકવ્યે કુલ ટેક્સ કરતાં બે ગણો ટેક્સ ચુકવવો પડે છે હાઈવે ઓથોરિટી દ્વારા ટોલનાકા શરૂ તો કરી દિધું પરંતુ ફાસ્ટેગ સિસ્ટમ અપગ્રેડ ન કરતાં વાહન ચાલકો ફાસ્ટેગ કાર્ડ ધરાવતા હોવા છતાં રોકડ ટેક્સ અને એ પણ બે ગણો વસુલવામાં આવી રહ્યો છે જેને પગલે વાહન ધારકો-ચાલકો માં ભારે રોષ સાથે ટોલપ્લાઝા પર રકઝક થઈ રહી છે ત્યારે સુતેલા સત્તાધીશો અને માઈકાંગલા નેતાઓ પ્રજાની વ્હારે તત્કાળ આવે એવી લોકમાંગ પ્રબળ બની છે.