રશિય-યુક્રેન યુદ્ધને ડામવા ભારતના પ્રયાસ : મોદીએ પુતિન સાથે ૫૦ અને ઝેલેન્સ્કી સાથે ૩૫ મનિટ વાત કરી, ભારતીયોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત કાઢવામાં મદદની પુતિનની ખાતરી
નવી દિલ્હી, તા.૭
રશિયા-યુક્રેન વચ્ચે આજે ૧૨મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધને ડામવા માટે સ્વયંભૂ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનેએ આજે બંને દેશોના રાષ્ટ્રપતિ સાથે લાંબી વાતચીત કરી હતી. મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ ૫૦ મિનિટ સુધી ચાલેલા ફોન કૉલ પર, યુક્રેન-કિવ યુદ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે સીધી વાતચીત કરવા વિનંતી કરી છે. પીએમના કહેવા પ્રમાણે, આ યુદ્ધનો ઉકેલ સીધી વાતચીતથી જ મળી શકે છે. રશિયાએ ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ કર્યું ત્યારથી મોદી અને પુતિન વચ્ચે આ બીજી વાતચીત છે. આજે રાષ્ટ્રપતિ પુતિને પણ વડાપ્રધાન મોદીને યુક્રેન અને રશિયા વચ્ચેની વાતચીતની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ રશિયા દ્વારા યુદ્ધવિરામની જાહેરાતની પ્રશંસા કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા યુક્રેનના ચાર શહેરો કિવ, ખાર્કોવ, સુમી અને મેરીયુપોલમાં દિવસ દરમિયાન યુધ્ધ વિરામ રહ્યું હતું. વાટાઘાટો દરમિયાન, વડાપ્રધાને સુમીમાંથી ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે સુરક્ષિત બહાર કાઢવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેના માટે પુતિને તમામ શક્ય સહકારની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા આજે જ પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. મોદી અને ઝેલેન્સકી વચ્ચે લગભગ ૩૫ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન પીએમએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી. મોદીએ યુક્રેનમાંથી ૨૦,૦૦૦ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા બદલ ઝેલેન્સકીનો પણ આભાર માન્યો હતો.
પીએમે, જો કે, યુક્રેનમાં ફસાયેલા બાકીના ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને ઝડપથી બહાર કાઢવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મોદી અને ઝેલેન્સકી વચ્ચેનો આ બીજો સંવાદ પણ છે, જે બંને નેતાઓ વચ્ચે ૨૬ ફેબ્રુઆરીએ પહેલીવાર થયો હતો.